રામનવમી પર શ્રીરામજી પર સૂર્યની કિરણોથી થશે તિલક, 50 ક્વિન્ટલ પુષ્પોથી મંદિરમાં કરાશે શણગાર

Updated: Apr 8th, 2024


Google NewsGoogle News
રામનવમી પર શ્રીરામજી પર સૂર્યની કિરણોથી થશે તિલક, 50 ક્વિન્ટલ પુષ્પોથી મંદિરમાં કરાશે શણગાર 1 - image


Ram Navami in Ram Mandir Ayodhya: 9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે. બીજી તરફ 17 એપ્રિલના રોજ રામ નવમી અને દુર્ગા નવમીની ઉજવણી કરવામાં આવશે. રામ જન્મોત્સવ માટે રામ મંદિર અયોધ્યામાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હવે 500 વર્ષ પછી પ્રથમ વખત રામ મંદિરમાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્યારે હવે તેના માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.

50 ક્વિન્ટલ પુષ્પોથી મંદિરમાં કરાશે શણગાર 

17 એપ્રિલે રામ નવમીના અવસર પર રામ મંદિરમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શાસ્ત્રીય ગાયકો દ્વારા સોહર, વધાઈ ગીતો અને ભક્તિ ગીતો પણ ગાવામાં આવશે. મંદિરને પણ વિશેષ રીતે શણગારવામાં આવી રહ્યું છે. 50 ક્વિન્ટલ દેશી અને વિદેશી પુષ્પોથી મંદિરને શણગારવામાં આવી રહ્યું છે.

કનક ભવન અને હનુમાનગઢીને પણ શણગારવામાં આવી રહ્યા છે

મંદિરના અધિકારીઓએ જણાવ્યું કે, ગર્ભગૃહની સાથે-સાથે બહારની દિવાલો, સીડીઓ અને પાંચેય મંડપને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ક્રાયસન્થેમમ, ગલગોટા અને ગુલાબના પુષ્પોથી જન્મભૂમિ પથ અને પ્રવેશ દ્વાર બનાવવામાં આવશે. રામ મંદિરની સાથે-સાથે કનક ભવન અને હનુમાનગઢીને પણ ભવ્ય રીતે શણગારવામાં આવી રહ્યા છે.

શ્રીરામજી પર સૂર્યની કિરણોથી થશે તિલક

રામ નવમીના અવસર પર 17મી એપ્રિલના રોજ બપોરે 12:00 વાગ્યે શ્રીરામજી પર સૂર્યની કિરણોથી તિલક થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સૂર્યના કિરણો રામલલાના મુખને પ્રકાશિત કરશે. આ સૂર્ય તિલક 75 મીમીનું હશે. આ સૂર્ય તિલકની તૈયારીમાં ઘણા વૈજ્ઞાનિકો વ્યસ્ત છે.

કાર્યક્રમનું થશે લાઈવ પ્રસારણ

રામ નવમીના અવસર પર રામ મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો આવી શકે છે. જે લોકો રામ મંદિરમાં નહીં આવી શકશે તેમના માટે પ્રસાર ભારતી કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરશે. બીજી તરફ શહેરમાં 100 થી વધુ LED ટીવી લગાવવામાં આવી રહ્યા છે. લાઈવ ટેલિકાસ્ટ દ્વારા રામ ભક્તો ઘરે બેસીને રામ લલાના દરબારના દર્શન કરી શકશે.

ભીષણ ગરમીને ધ્યાનમાં રાખી કરવામાં આવી રહી છે વ્યવસ્થા

શ્રદ્ધાળુઓને ગરમીથી બચાવવા માટે 600 મીટર લાંબા ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બીજી તરફ ગરમ જમીનથી બચવા માટે વધુને વધુ વિસ્તારોમાં મેટ પાથરવામાં આવી રહી છે. આ ઉપરાંત 50થી વધુ સ્થળોએ પીવાના પાણી અને ઓઆરએસ પાઉડરની વ્યવસ્થા કરવામાં આવશે.


Google NewsGoogle News