Get The App

અયોધ્યા રામમંદિર ટ્રસ્ટના સભ્ય અને પૂર્વ IPS ઓફિસર આચાર્ય કિશોર કુણાલનું નિધન

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
અયોધ્યા રામમંદિર ટ્રસ્ટના સભ્ય અને પૂર્વ IPS ઓફિસર આચાર્ય કિશોર કુણાલનું નિધન 1 - image


Acharya Kishore Kunal Passed Away:  બિહારની રાજધાની પટનાથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના સભ્ય અને પૂર્વ IPS ઓફિસર આચાર્ય કિશોર કુણાલનું નિધન થઈ ગયું છે. કિશોર કુણાલનું હૃદય બંધ થઈ જવાના કારણે નિધન થયુ છે. કિશોર કુણાલને આજે સવારે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો અને ત્યારબાદ તેને તાત્કાલિક મહાવીર વત્સલા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેમનું નિધન થઈ ગયુ છે. આચાર્ય કિશોર કુણાલ મહાવીર મંદિર ટ્રસ્ટના સચિવ હતા. 

74 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

આચાર્ય કિશોર કુણાલે 74 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. આચાર્ય કિશોર કુણાલના પાર્થિવ દેહને હોસ્પિટલમાંથી તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં અનેક હસ્તીઓ હાજર રહી હતી. ત્યાં ઘણા લોકોની આંખો ભીની જોવા મળી હતી. કિશોર કુણાલ બિહાર સરકારના મંત્રી અશોક ચૌધરીના નજીકના મિત્ર પણ હતા. અશોક ચૌધરી પણ તેમના નિધનથી ખૂબ જ દુઃખી છે.


મુખ્યમંત્રી નીતિશ કુમારે શોક વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી નીતિશ કુમારે પૂર્વ IPS અધિકારી અને મહાવીર મંદિર ટ્રસ્ટ સમિતિના સ્થાપક સચિવ આચાર્ય કિશોર કુણાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, આચાર્ય કુણાલના નિધનથી વહીવટી, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે મોટી ખોટ પડી છે.

ગુજરાત કેડરના IPS ઓફિસર બન્યા

કિશોર કુણાલનો જન્મ 10 ઓગસ્ટ 1950ના રોજ થયો હતો. કિશોર કુણાલે પોતાનું શાળાકીય શિક્ષણ મુઝફ્ફરપુર જિલ્લાના બરુરાજ ગામમાંથી લીધુ હતું. તેઓ પટના યુનિવર્સિટીમાંથી ઈતિહાસ અને સંસ્કૃતમાં સ્નાતક થયા. બાદમાં કિશોર કુણાલ ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી બન્યા. તેઓ પટનામાં વરિષ્ઠ પોલીસ અધિક્ષક તરીકે પણ તહેનાત હતા.

આ પણ વાંચો: દ.કોરિયામાં દર્દનાક વિમાન દુર્ઘટના, રન-વે પરથી લપસ્યું વિમાન, 179 લોકોના મોતની આશંકા

ગૃહ મંત્રાલયમાં પણ પોતાની સેવા આપી

કિશોર કુણાલે ગૃહ મંત્રાલયમાં પણ પોતાની સેવા આપી હતી. 1972માં કુણાલ ગુજરાત કેડરમાં ભારતીય પોલીસ સેવા અધિકારી બન્યા. તેમની પ્રથમ પોસ્ટિંગ આણંદમાં પોલીસ અધિક્ષક તરીકે થઈ હતી. 1978 સુધીમાં તેઓ અમદાવાદના નાયબ પોલીસ કમિશનર બની ગયા હતા.

મહાવીર મંદિર ટ્રસ્ટ કમિટીના સેક્રેટરી

વર્ષ 2000માં નિવૃત્તિ બાદ કિશોર કુણાલ દરભંગા સ્થિત સંસ્કૃત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બન્યા. જો કે, બાદમાં તેઓ બિહાર રાજ્ય ધાર્મિક બોર્ડના પ્રશાસક બન્યા. કિશોર કુણાલ હાલમાં જે પ્રખ્યાત મહાવીર મંદિર ટ્રસ્ટ કમિટીના સેક્રેટરી હતા તે સમિતિ ઘણી શાળાઓ અને કેન્સર હોસ્પિટલોનું સંચાલન પણ કરે છે. મહાવીર ટ્રસ્ટે મહાવીર કેન્સર સંસ્થા અને મહાવીર આરોગ્ય સંસ્થાની સ્થાપના કરી હતી. આ ઉપરાંત મહાવીર નેત્રાલયની પણ સ્થાપના કરવામાં આવી છે જ્યાં આંખની સમસ્યાથી પીડાતા લોકોની સારવાર કરવામાં આવે છે. ઘણા સામાજિક કાર્યો સાથે જોડાયેલા કિશોર કુણાલ પટના સ્થિત જ્ઞાન નિકેતન સ્કૂલના સ્થાપક પણ હતા.

કિશોર કુણાલના કાર્યકાળ દરમિયાન પટનામાં મહાવીર મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. કિશોર કુણાલને જ્ઞાતિવાદી ધાર્મિક પ્રથાઓમાં સુધારા માટે કરેલા મહત્વપૂર્ણ કાર્ય માટે પણ યાદ કરવામાં આવશે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને મહેસૂલ મંત્રી ડૉ. દિલીપ કુમાર જયસ્વાલ, ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા અને અન્ય પક્ષના નેતાઓએ આચાર્ય કિશોર કુણાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ભાજપના નેતાઓએ કહ્યું કે કિશોર કુણાલનું યોગદાન શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી.


Google NewsGoogle News