રામલલાની પ્રાણપ્રતિષ્ઠા શાસ્ત્રો વિરુદ્ધ નથી, અયોધ્યાના જગદગુરુ અને સ્વામી કરપાત્રીની સ્પષ્ટતા
પ્રાણપ્રતિષ્ઠામાં જવાનો ઈન્કાર કરનાર શંકરાચાર્યોના કારણોને અયોધ્યાના મોટા સંતોએ રદીયો આપ્યો
શંકરાચાર્યના ઘરમાંથી કોઈએ શહીદી આપી નથી, તો તેઓ શું બતાવશે : સ્વામી કરપાત્રી મહારાજ
Ayodhya Ram Mandir Inauguration : અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદઘાટનમાં શંકરાચાર્યોના આવવાનો મામલો ઘણો ચર્ચામાં છે. રામલલાની પ્રાણપ્રતિષ્ઠા શાસ્ત્રો વિરુદ્ધની હોવાનું કારણ જણાવી શંકરાચાર્યોએ સમારોહમાં જવાનો ઈન્કાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે, અપૂર્ણ મંદીરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવી શાસ્ત્રીય વિદ્યાનું ઉલ્લંઘન છે. શંકરાચાર્યોના આ તર્ક અંગે અયોધ્યાના મોટા સંતોએ કહ્યું કે, ‘કદાચ શંકરાચાર્ય ભુલી ગયા છે કે, ત્યાં મસ્જિદ નહીં, મંદિર હતું, જે જૂનું થઈ ગયું હોવાથી હવે તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે.’ સંતોએ દાવો કર્યો કે, રામલલાની પ્રાણપ્રતિષ્ઠા શાસ્ત્રો પ્રમાણે છે.
‘શંકરાચાર્યના ઘરમાંથી કોઈએ શહીદી આપી નથી’
અયોધ્યાના તપસ્વી છાવણીના જગદગુરુ પરમહંસ આચાર્ય (Paramhans Acharya) અને સંત સ્વામી કરપાત્રી મહારાજે (Karpatri Maharaj) આ દાવો કર્યો છે. સ્વામી કરપાત્રી મહારાજે કહ્યું કે, ‘રામજન્મભૂમિ માટે લાખો લોકોએ લોહી વહાવ્યું છે, પરંતુ શંકરાચાર્યના ઘરમાંથી કોઈએ શહીદી આપી નથી, તો તેઓ શું બતાવશે. તેમણે આ મામલે રાજકારણ રમાયું હોવાની પણ વાત કહી છે.’
આ લાખો લોકોનો પરિશ્રમ છે, જે રામજન્મભૂમિના સંઘર્ષમાં શહીદ થઈ ગયા : સંત
સ્વામી કરપાત્રી મહારાજે કહ્યું કે, ‘હું વિનંતી કરવા માંગુ છું કે, આ કોઈ સંતનું નહીં, કોઈ સ્થિતિનું નહીં, આ આપણા તે તમામ લોકોનો પરિશ્રમ છે, જેમણે સાડા પાંચસો વર્ષ સુધી, સાડા ચાર લોકોએ શહીદી આપી. તેઓ શું બતાવશે, શંકરાચાર્ય શું બતાવશે. શું તેમના કોઈ ઘરના વ્યક્તિએ શહીદી આપી છે, સરયૂનો કાંઠો... આ જુઓ, અહીંથી જ વરસી હતી ગોળીઓ, મરનારાઓ કરી રહ્યા હતા રામ નામનો જપ. હનુમાનગઢીનો કિલ્લો... આ જુઓ, ત્યાં જ વરસી હતી ગોલીઓ, મરનારાઓ કરી રહ્યા હતા રામ નામનો જપ. આ લોકો રાજકારણ રમી રહ્યા છે. અમારા રામ રાજકારણના વિષય નથી.’
રામલલાની પ્રાણપ્રતિષ્ઠા સમારોહ શાસ્ત્રો પ્રમાણે : પરમહંસ આચાર્ય
જગદગુરુ પરમહંસ આચાર્યએ કહ્યું કે, ‘જો એવું કહી રહ્યા છે કે, શાસ્ત્ર વિરુદ્ધ છે, તો હું કહેવા માંગુ છું કે, 22 જાન્યુઆરી-2024, બપોરે 12.20 કલાકે રામલલા તેમના વૈકલ્પિક ગર્ભગૃહથી ભવ્ય મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, જે શાસ્ત્રો મુજબ છે. આ બાબતે દેશના મોટા-મોટા વિદ્વાનોએ, ઋષિ-મુનિઓએ વિચાર કરી અને શાસ્ત્રો મુજબ આ મુહૂર્ત જ જોયું છે.’