રામલલાને એક જ મહિનામાં લગભગ 3,550 કરોડનું મળ્યું દાન, શ્રદ્ધાળુઓની સંખ્યામાં થયો 10 ગણો વધારો
- ભક્તોની સંખ્યામાં વધારો થવાની સાથે રામ મંદિર માટે મળતા દાનની રકમમાં પણ નોંધપાત્ર વધારો થયો
Image Source: Twitter
અયોધ્યા, તા. 27 જાન્યુઆરી 2024, શનિવાર
Ayodhya Ram Mandir: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્ધાટન થઈ ગયુ છે. પ્રભુ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદથી જ મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. મંદિરમાં ભક્તોની લાંબી લાઈન જોવા મળી રહી છે. લોકો દિલ ખેલીને દાન કરી રહ્યા છે. દેશ-વિદેશના રામભક્તોએ રામ લલ્લા પર ધનની વર્ષા કરી દીધી છે. રામ લાલાને માત્ર એક મહિનાના અભિયાન દરમિયાન જ 3,550 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે.
શ્રદ્ધાળુઓની સંખ્યામાં થયો 10 ગણો વધારો
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે, રામ મંદિરના ભૂમિ પૂજન બાદ જે ભંડોળ સમર્પણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, તે એક મહિનાના અભિયાનમાં લગભગ 3,550 કરોડ રૂપિયાનું દાન આવ્યું છે. કુલ મળીને 4500 કરોડ રૂપિયાનું દાન આવી ચૂક્યું હતું. મંદિરના મધ્યમાં જે ખર્ચ થઈ રહ્યો હતો તે તેનાથી જ થઈ રહ્યો હતો અને હવે રામલલા બિરાજમાન થઈ ગયા છે ત્યારબાદથી શ્રદ્ધાળુઓની સંખ્યામાં થયો 10 ગણો વધારો થયો છે.
શ્રદ્ધાળુઓએ દિલ ખોલીને દાન કર્યું
પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે, પહેલા રામલલાના દર્શન કરવા માટે 20,000 જેટલા ભક્તો અયોધ્યા આવતા હતા. પરંતુ હવે મંદિરના ઉદ્ઘાટન બાદથી અહીં આવતા ભક્તોની સંખ્યામાં 10 ગણો વધારો નોંધાયો છે. ભક્તોની સંખ્યામાં વધારો થવાની સાથે રામ મંદિર માટે મળતા દાનની રકમમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રામલલાના ભક્તોએ હંમેશા દિલ ખોલીને દાન આપ્યુ છે.
દરરોજ 10 થી 15 લાખ રૂપિયાનું દાન મળી રહ્યું છે
રામ મંદિર માટે માત્ર દેશમાંથી જ નહીં વિદેશમાંથી પણ ખૂબ દાન આવી રહ્યું છે. પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે, અમારી દિલ્હીમાં અમારી ઓફિસમાં NRI બેંક છે. વિદેશના તમામ પૈસા ત્યાં આવે છે. ત્યાં જ સ્ટેટમેન્ટ પણ બને છે અને જે કાઉન્ટર પર દાન લેવામાં આવે છે તેની રસીદ ઓનલાઈન આપવામાં આવે છે. બાલક શ્રી રામલલા લગભગ 4,500 કરોડ રૂપિયાની અપાર સંપત્તિના માલિક બની ગયા છે. બીજી તરફ રામલલાને પ્રાણ પ્રતિષ્ઠાના પહેલા જ દિવસે 3 કરોડ 17 લાખ રૂપિયાનું દાન મળ્યું હતુ અને દરરોજ 10 થી 15 લાખ રૂપિયાનું દાન મળી રહ્યું છે.