15 કિલો સોનું, 18 હજાર હીરા... 12 જ દિવસમાં બની ગયા રામલલાના ઘરેણાં, જાણો શું છે તેની ખાસિયતો

ભગવાન રામના ઘરેણા અધ્યાત્મ રામાયણ, શ્રીમદ વાલ્મીકિ રામાયણ, રામચરિતમાનસમાં સંશોધન કરીને બનાવાયા છે

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
15 કિલો સોનું, 18 હજાર હીરા... 12 જ દિવસમાં બની ગયા રામલલાના ઘરેણાં, જાણો શું છે તેની ખાસિયતો 1 - image


Ram Lalla's Magnificent Jewellery:  અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવ્યો. દેશભરમાં લોકોએ સોમવારની સાંજ દિવાળી જેમ મનાવી. રામલલા બિરાજમાન થયાના અવસર પર પોતપોતાના ઘરોમાં દીવો કર્યો અને ફટકડાં પણ ફોડ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં રામલલાની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ભગવાન રામના આભૂષણો પૌરાણિક કથાઓમાં વર્ણિત તેમના સ્વરૂપના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. 

માત્ર 12 દિવસમાં તૈયાર કર્યા તમામ આભૂષણ

ભગવાન રામના આભૂષણો બનાવવામાં 15 કિલો સોનું અને લગભગ 18 હજાર હીરા અને પન્નાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તિલક, મુકુટ, 4 હાર, કમરબંધ, બે જોડી પાયલ, વિજય માલા, બે વીંટી સહિત કુલ 14 ઝવેરાત તૈયાર કરવામાં આવ્યા છે. આ આભૂષણ માત્ર 12 દિવસમાં બનાવવામાં આવ્યા હતા.

લખનૌના સોનીએ ડિઝાઈન કર્યા આભૂષણ

શ્રી રામ મંદિર ટ્રસ્ટે લગભગ 15 દિવસ પહેલા જ લખનઉના હરસહાયમલ શ્યામલાલ નામના નિષ્ણાતોને આ જવાબદારી સોંપાઈ હતી. આભૂષણ બનાવતી વખતે ભગવાન રામનું બાળ સ્વરૂપ છે, તે ધ્યાનમાં રખાયું હતું.  

ભગવાન રામના મુગટમાં છે આ ખાસ ચિહ્નો

ભગવાન રામ સૂર્યવંશી હોવાથી ભગવાન રામના મુગટમાં સૂર્યનું પ્રતીક બનાવાયું છે. આ ઉપરાંત મુગટના કેન્દ્રમાં શાહી શક્તિનું પ્રતીક નીલમણિ પણ છે. આ મુગટમાં ઉત્તર પ્રદેશના રાજ્ય પ્રતીક માછલી પણ છે અને રાષ્ટ્રીય પક્ષી મોરની પ્રતિકૃતિ પણ છે. એક કિલો અને 700 ગ્રામના આ મુગટમાં 75 કેરેટ હીરા, 175 કેરેટ ઝામ્બિયન એમરાલ્ડ, 262 કેરેટ રૂબી પણ જડવામાં આવ્યા છે, જે એકદમ શુદ્ધ છે. આ મુગટની પાછળનો ભાગ 22 કેરેટ સોનાનો છે અને તેનું વજન આશરે 500 ગ્રામ છે.

તિલક 

ભગવાનનું તિલક 16 ગ્રામ સોનાનું છે. તેની મધ્યમાં ત્રણ કેરેટના હીરા અને તેની ફરતે 10 કેરેટના હીરા જડવામાં આવ્યા છે. આ ઉપરાંત તિલકની મધ્યમાં બર્મીઝ રૂબી પણ મૂકવામાં આવ્યું છે. 

પન્ના અને માણેકની વીંટી 

ભગવાન રામને 65 ગ્રામ વજન ધરાવતી પન્નાની વીંટી પહેરાવાઈ છે. તેમાં ચાર કેરેટના હીરા અને 33 કેરેટ પન્ના છે. વીંટીની મધ્યમાં ઘેરા લીલા રંગનું ઝામ્બિયન પન્ના છે, જે ભગવાનનો વનવાસ, સંવાદિતા અને શાણપણનું પ્રતીક છે. ભગવાનના જમણા હાથમાં 26 ગ્રામ સોના અને માણેકની વીંટી છે, જેમાં માણેકની સાથે હીરા પણ જડેલા છે.

હાર

ભગવાન રામના ગળામાં લગભગ 500 ગ્રામનો સોનાનો હાર છે. તેમાં લગભગ 150 કેરેટ રૂબી અને 380 કેરેટ પન્નાનો ઉપયોગ કરાયો છે. આ સિવાય ગળામાં મધ્યમાં સૂર્યવંશનું પ્રતીક છે અને પન્ના, માણેક અને હીરાથી બનેલા ફૂલોની ડિઝાઇન છે.

પંચલડા 

ભગવાન રામને પંચલડા પ્રકારનો એક બીજો પણ હાર પહેરાવાયો છે, જેમાં પાંચ સેર હોય છે. તેનું વજન 660 ગ્રામ છે અને તેમાં લગભગ 80 હીરા અને 550 કેરેટ પન્નાથી જડેલા છે. પંચલડાની પાંચ સેર પાંચ તત્ત્વોનું પ્રતિનિધિત્વ કરે છે.

વિજયમાલા

ભગવાન રામના ગળામાં સૌથી મોટો હાર વિજયમાલા છે. તેનું વજન આશરે બે કિલો છે, જે 22 કેરેટ સોનાથી બનેલો છે. આ વિજયમાલામાં હિંદુ ધર્મના પ્રતીકો દર્શાવાયા છે. ભગવાન રામનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ દર્શાવવા તેમાં પાંચ પવિત્ર ફૂલ કમળ, કુંડ, પારિજાત, ચંપા અને તુલસી કોતરવામાં આવ્યા છે. આ હારની લંડાઈ ભગવાન રામના ચરણો સુધીની છે, જે ભક્તિ અને માનવ કલ્યાણનું પ્રતીક છે. 

કમરબંધ 

ભગવાન રામની કમરને સુશોભિત કરવા 750 ગ્રામ સોનાનો એક કમરબંધ છે, જે 70 કેરેટ હીરા, 850 કેરેટ માણેક અને પન્નાથી જડેલો છે. કમરબંધ પ્રાચીન કાળથી શાહી ભવ્યતા દર્શાવતું  એક શાહી કુંવર આભૂષણ છે.

બાજુબંધ અને કંગન 

રામલાલના નાના હાથ પર 22 કેરેટ સોનાના 400 ગ્રામના બાજુબંધ પણ છે. આ ઉપરાંત 850 ગ્રામના બે કંગન પણ પહેરાવાયા છે, જેમાં 100 હીરા અને 320 માણેક જડેલા છે.

ચરણ પાદુકા

ભગવાનના પગ માટે 400 ગ્રામ સોનું, 55 કેરેટ હીરા અને 50 કેરેટ પન્નાથી જડેલી પાદુકા પણ બનાવાઈ છે. 

ધનુષ્ય 

આ મૂર્તિમાં ભગવાનનું ધનુર્ધારી બાળસ્વરૂપ દર્શાવાયું છે. તેથી તેમને 24 કેરેટના એક કિલો સોનાથી બનેલું ધનુષ્ય અપાયું છે. તેમજ ભગવાનના વસ્ત્રમાં બનારસી પીળી ધોતી અને લાલ રંગનું અંગવસ્ત્રમ છે. તે બનાવવામાં શુદ્ધ સોનાની જરી અને તારનો ઉપયોગ કરાયો છે. આ વસ્ત્રો પર વૈષ્ણવ શુભ ચિહ્નો શંખ, પદ્મ, ચક્ર અને મોર અંકિત છે, જે તે દિલ્હીના કાપડ નિષ્ણાત મનીષ ત્રિપાઠી દ્વારા અયોધ્યામાં રહીને જ ડિઝાઈન કરાયા છે.  

ચાંદીના રમકડાં 

રામ મંદિરના રામલલા ભગવાનનું બાળ સ્વરૂપ હોવાથી તેમના માટે રમકડાં પણ રખાયા છે, જેમાં ચાંદીના હાથી, ઘોડા, ઊંટ અને ઘૂઘરો ડિઝાઈન કરાયો છે. 

15 કિલો સોનું, 18 હજાર હીરા... 12 જ દિવસમાં બની ગયા રામલલાના ઘરેણાં, જાણો શું છે તેની ખાસિયતો 2 - image


Google NewsGoogle News