કેન્દ્રની ચેતવણીઃ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આવી લિંક કે મેસેજ આવે તો સાવધ રહેજો
અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી વચ્ચે સાયબર ગુનેગારો પણ સક્રિય
સાયબર ફ્રોડોએ પ્રાણપ્રતિષ્ઠાના લાઈવ સ્ટ્રીમિંગની લિંકો ફરતી કરતા સાવધાન
Ayodhya Ram Mandir Pran Pratishtha Live Streaming Fake Link Alert : અયોધ્યાના રામ મંદિરમાં આવતીકાલે ભગવાન રામનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. દેશભરમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તો આવતીકાલના ઉત્સવને જોવા થનગની રહ્યા છે. આ ઉત્સવના રંગમાં ભંગ પડાવવા સાઈબર ગુનેગારો પણ સક્રિય થઈ ગયા છે અને સુરક્ષાને ધ્યાને રાખી ગૃહમંત્રાલયે પણ એલર્ટ જાહેર કર્યું છે.
કાર્યક્રમના લાઈવ સ્ટ્રીમિંગની લિંકથી સાવધાન
પ્રાણપ્રતિષ્ઠાના લાઈવ સ્ટ્રીમિંગની લિંકો પણ ફરતી થઈ ગઈ છે. યુઝર્સને આવી લિંકો મોકલી, રામ ઉત્સવના રંગમાં ભંગ પાડવા સાઈબર ગુનેગારોએ ખેલ શરૂ કરી દીધો છે. ત્યારે શ્રદ્ધાળુઓ લાઈવ કાર્યક્રમ નિહાળવાના ચક્કરમાં છેતરપિંડીનો ભોગ ન બને તે માટે કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગૃહ મંત્રાલય દ્વારા એલર્ટ જારી કર્યું છે.
ફેક લિંકનો ખુલાસો
વાસ્તવમાં સાઈબર ગુનેગારો રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના લાઈવ સ્ટ્રીમિંગના નામે તમને મેસેજ સેન્ડ કરી શકે છે, જેમાં એક લિંક પણ હોઈ શકે છે અને તેમાં દાવો કરાયો છે કે, તેના પર ક્લિક કરી રામ લલાનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. સૂત્રોના જણાવ્યા મુજબ ગૃહ મંત્રાલયની સાઈબર વિંગે એક એલર્ટ જારી કર્યું છે. આવી ઘણી લિંકો ફરતી થઈ હોવાનું સાયબર વિંગના ધ્યાને આવ્યું છે. સાયબર ક્રિમિનલ્સો લોકોને છેતરવા યુઝર્સના વોટ્સએપ પર મેસેજ-લિંક મોકલી રહ્યા છે.
આવી લિંકથી સાવધાન રહો
જો તમારા મોબાઈલ મેસેજ, વોટ્સએપ, ઈ-મેઈલ કે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ પર આવો કોઈ મેસેજ આવે તો સાવધાન રહેવાની જરૂર છે. યુઝર્સ કોઈપણ લિંક પર ક્લિક કર્યા વગર ડિલીટ કરી શકે છે. જો કોઈ ઓળખીતા દ્વારા આવી લિંક મોકલવામાં આવે તો મોકલનારને પણ હકીકત જણાવી શકે છે.
સાયબર ફ્રોડ થાય તો શું કરશો?
જો તમારી પાસે આવી કોઈ લિંક આવે અથવા તમારી સાથે છેતરપિંડી થાય તો તમે હેલ્પલાઈન નંબર 1930 પર કૉલ કરી કેસ નોંધાવી શકો છો.