સંસદમાં આગળ બેસવા મુદ્દે અખિલેશ યાદવ કોંગ્રેસથી નારાજ, આ નેતાએ રાહુલ ગાંધીની બાજુમાં બેસવા કરી માંગ
Parliament Session 2024 : સંસદનું શિયાળુ સત્ર શરુ થયા બાદ અનેક વાદ-વિવાદ અને વિરોધો શરુ થઈ ગયા છે. આમ તો સંસદના બંને ગૃહમાં વિવિધ પ્રશ્નો વચ્ચે સત્તાધારી સરકાર અને વિપક્ષો સામસામે આવી જતા હતા. જોકે 18મી લોકસભાની બેઠક વ્યવસ્થાને અંતિમરૂપ અપાયા બાદ ઇન્ડિયા ગઠબંધનના બે સાથી પક્ષ વચ્ચે વ્યવસ્થાને લઈ ખેંચતાણ શરુ થઈ ગઈ છે.
સીનિયર સાંસદને પાછળની બેઠક અપાતાં અખિલેશ નારાજ
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને તેમના પત્ની સાંસદ ડિમ્પલ યાદવ બેઠક વ્યવસ્થાને લઈ નારાજ થયા છે. અયોધ્યાના સીનિયર સાંસદ અવધેશ પ્રસાદને પહેલી હરોળમાંથી ખસેડી બીજી હરોળમાં બેઠક વ્યવસ્થા ફાળવાઈ છે, જેના કારણે અખિલેશે વાંધો ઉઠાવ્યો છે. અવધેશ અગાઉ વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની બાજુમાં બેસતા હતા.
અવધેશને હવે બીજી હરોળમાં જગ્યા આપી
18મી લોકસભામાં નવી બેઠક વ્યવસ્થામાં અવધેશ પ્રસાદને બીજી હરોળમાં બેઠક ફાળવવામાં આવી છે. પરંતુ કોંગ્રેસે આ મુદ્દે અખિલેશને માહિતી આપી ન હોવાથી વિવાદ ઊભો થયો છે. અખિલેશને બેઠક વ્યવસ્થામાં ફેરફાર પહેલા વિશ્વાસમાં ન લીધા હોવાથી અને સૂચના પણ આપી ન હોવાથી વાંધો ઉઠાવ્યો છે.
VIDEO: ‘મોદી-અદાણી એક છે’, ખાસ જેકેટ પહેરીને સંસદ પહોંચ્યા રાહુલ અને પ્રિયંકા ગાંધી
લોકસભામાં આગળની હરોળમાંથી સપાની એક બેઠક ઘટી
વાસ્તવમાં ઇન્ડિયા ગઠબંધનની આગેવાની કરતી કોંગ્રેસ મુખ્ય વિપક્ષ દળની ભૂમિકામાં છે અને તેઓ જ સાથી પક્ષોને બેઠકની ફાળવણી કરે છે. સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભામાં બેઠક વ્યવસ્થાની પ્રથમ લાઇનમાંથી સમાજવાદી પાર્ટીની બે બેઠકો હતી, જોકે સરકારે તેને ઘટાડીને એક કરી દીધી છે. જેના કારણે કોંગ્રેસે સરકાર સમક્ષ મુદ્દો ન ઉઠાવતાં અખિલેશ નારાજ થયા છે.
નારાજ સપા સાંસદ દેખાવોમાં પણ સામેલ ન થયા
આજે ગૃહની કાર્યવાહી વખતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ અદાણી-મોદી મુદ્દે દેખાવો કર્યા હતા, જોકે તેમાં એકપણ સમાજવાદી પાર્ટીના સાંસદો સામેલ થયા ન હતા. સાંસદ ડિમ્પલ યાદવે બેઠક વ્યવસ્થાનો મામલો અધ્યક્ષ સમક્ષ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે, અમે અધ્યક્ષને લોકસભામાં પ્રથમ હરોળમાં વધુ એક બેઠક આપવા માટે વિચારણા કરવા કહ્યું છે. અમને વિશ્વાસ છે કે, તેઓ અમારી વાત સાંભળશે. અખિલેશ નારાજ થયા હોવા મુદ્દે ડિમ્પલે કહ્યું કે, આવી કોઈ વાત નથી, બેઠકો અંગે અધ્યક્ષ જ નિર્ણય લે છે અને તેમની સાથે વાત થઈ ગઈ છે.
બીજીતરફ રસપ્રદ વાત એ છે કે, DMK પાર્ટીના નેતા ટી. આર. બાલુએ કોંગ્રેસને વિનંતી કરી કે, તેમને રાહુલ ગાંધીની બાજુમાં આગળની હરોળમાં બેસાડવામાં આવે.
VIDEO : ભારત-પાકિસ્તાનના નૌકાદળનું દિલધડક રેસ્ક્યૂ, પોરબંદરના ડૂબતા જહાજમાંથી 12 જવાનોને બચાવ્યા