અયોધ્યા સીટ BJP પાસેથી છીનવીને ઈતિહાસ રચનાર અવધેશ પ્રસાદે રાજીનામું આપ્યું

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
અયોધ્યા સીટ BJP પાસેથી છીનવીને ઈતિહાસ રચનાર અવધેશ પ્રસાદે રાજીનામું આપ્યું 1 - image


Ayodhya Lok Sabha Seat: ઉત્તર પ્રદેશની ફૈઝાબાદ લોકસભા સીટ પરથી ચૂંટણી જીતનાર સમાજવાદી પાર્ટીના નેતા અવધેશ પ્રસાદે પણ પોતાની વિધાનસભા સદસ્યતામાંથી રાજીનામું આપી દીધું છે. અવધેશ પ્રસાદ ફૈઝાબાદની મિલ્કીપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય હતા. એમપી સીટ જીત્યા બાદ હવે તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. સપા સાંસદે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યું છે. 

BJP પાસેથી અયોધ્યા જેવી બેઠક છીનવી લેનાર અવધેશ પ્રસાદ એકમાત્ર દલિત ઉમેદવાર છે જે બિન અનામત બેઠક પરથી જીત્યા છે. અખિલેશે તેમને આ વખતે બિન અનામત બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. અવધેશ પ્રસાદ પાસી સમુદાયના છે અને સમાજવાદી પાર્ટીના સ્થાપક સભ્યોમાંના એક છે. તેઓ મુલાયમ સિંહ યાદવના નજીકના નેતા પણ રહ્યા છે.

આ વખતે યુપી લોકસભા ચૂંટણીમાં ફૈઝાબાદ લોકસભા સીટ ચર્ચામાં હતી. યુપીમાં ભાજપનું પ્રદર્શન ખૂબ જ નબળું હતું પરંતુ તેને આ સીટ પર સૌથી મોટો ફટકો પડ્યો કારણ કે, ભગવાન શ્રી રામનું શહેર અયોધ્યા ફૈઝાબાદ લોકસભામાં આવે છે. અયોધ્યા જેવી સીટ પર ભાજપની હારથી સૌને આશ્ચર્ય થયું હતુ. આ સીટ પર સપા પ્રમુખ અખિલેશ યાદવનું જાતિ સમીકરણનું ગણિત ચમત્કારી રહ્યું છે.

અયોધ્યામાં ભાજપનો પરાજય થયો

ભાજપે આખી ચૂંટણી દરમિયાન અયોધ્યા અને રામ મંદિરના મુદ્દાઓનું મૂડીકરણ કર્યું. પીએમ મોદીથી લઈને સીએમ યોગી આદિત્યનાથ આને લઈને વિપક્ષ અને ઇન્ડિયા ગઠબંધન પર નિશાન સાધતા રહ્યા. અયોધ્યામાં રામ મંદિરથી લઈને એરપોર્ટ, હાઈવે, રેલ્વે સ્ટેશન અને અનેક વિકાસ કામો થયા, પરંતુ એ જ અયોધ્યામાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો. જે સૌ કોઇ માટે ચોંકાવનારી વાત હતી. 

સપાના નેતા અવધેશ પ્રસાદે આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના બે વખતના સાંસદ અને ઉમેદવાર લલ્લુ સિંહને 50 હજારથી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતા. અવધેશ પ્રસાદ પણ હવે સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથે દિલ્હીમાં કેન્દ્રીય રાજકારણ કરતા જોવા મળશે.


Google NewsGoogle News