રામ મંદિરના 161 ફૂટના મુખ્ય શિખરનું નિર્માણ કાર્ય શરુ, આટલા દિવસોમાં થઈ જશે તૈયાર
Ayodhya Ram Mandir Shikhar Construction: અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય શિખરનું નિર્માણ કાર્ય નવરાત્રિના પ્રથમ દિવસથી શરુ થઈ ગયું છે. સૌથી પહેલા મંદિર નિર્માણ સ્થળ પર પૂજા કરવામાં આવી અને પછી શિખરના મુખ્ય પથ્થરની મંદિર પરિસરમાં પૂજા કરવામાં આવી. મંદિર નિર્માણ સાથે સબંધિત તમામ એજન્સીઓ અયોધ્યા પહોંચી છે. મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્ર પણ અયોધ્યામાં જ છે.
120 દિવસોમાં થઈ જશે તૈયાર
નાગર શૈલીમાં બનનારા મંદિરમાં શિખર નિર્માણ પણ એ જ શૈલી(Pyramidના આકાર)નું હશે જેને સોમપુરા આર્કિટેક્ટ્સ (Sompura Architects) દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેને પહેલાં જ ટ્રસ્ટે ફાઇનલ કરી દીધું હતું. આખા મંદિરની શિખર સુધીની ઊંચાઈ 161 ફૂટ છે. શિખરના નિર્માણમાં ઓછામાં ઓછા 120 દિવસનો સમય લાગશે. શિખર પર ધર્મ ધ્વજ પણ હશે.
મંદિરમાં શિખર સૌથી મુશ્કેલ માનવામાં આવે છે, તેનું નિર્માણ શરુ થતાં સમયે તમામ એજન્સીના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. રામ મંદિરના નિર્માણની વિશેષતાઓને ધ્યાનમાં રાખીને શિખરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેના માટે તેની મજબૂતી અને સુંદરતા બન્નેનું ધ્યાન રાખવામાં આવશે.
સોમપુરા આર્કિટેક્ટ્સ ઉપરાંત કન્સ્ટ્રક્શન એજન્સી લાર્સન એન્ડ ટુબ્રો, સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI) રુડકી, નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(NGRI)ના નિષ્ણાતો પણ હાજર હતા.
હોળી પહેલાં બની જશે રામ દરબાર
રામ મંદિરમાં આવતાં રામભક્તોને ટૂંક સમયમાં રામ દરબારના પણ દર્શન થશે. આવતા વર્ષે હોળી પહેલાં રામ દરબારની સ્થાપના થઈ જશે, બેઠકમાં આ અંગે પણ ચર્ચા થઈ હતી. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ માહિતી આપી છે કે રામ દરબારની ડિઝાઇનનું કામ પૂર્ણ થઈ ગયું છે. રામ દરબાર આરસનો હશે. રામ દરબાર તેના પૂર્ણ સ્વરૂપમાં હશે જેમાં રામ, સીતા, ત્રણ ભાઈઓ અને હનુમાનજીની મૂર્તિઓ હશે. શિલ્પકાર વાસુદેવ કામથે તેની ડિઝાઇનને મંજૂરી આપી દીધી છે, આવતા વર્ષે હોળી પહેલાં રામ દરબાર સ્થાપિત થઈ જશે.
જો કે મંદિરના સમગ્ર ભવનનું બાંધકામ પૂર્ણ થવામાં નિર્ધારિત સમય કરતાં બે મહિનાનો વધુ સમય લાગશે. મંદિરના પરકોટા અને સપ્ત મંડપનું કામ પણ ચાલી રહ્યું છે. મુખ્ય ભવન ઉપરાંત લેન્ડસ્કેપિંગનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને પહેલા માળનું બાંધકામ લગભગ 90% પૂર્ણ થઈ ગયું છે.