અયોધ્યા અભેદ્યઃ જળ, જમીન અને આકાશમાંથી બાજનજર, સરયૂ નદીમાં પણ હોડીઓમાં પેટ્રોલિંગ

અયોધ્યામાં પ્રવેશવાના બધા જ માર્ગો પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
અયોધ્યા અભેદ્યઃ જળ, જમીન અને આકાશમાંથી બાજનજર, સરયૂ નદીમાં પણ હોડીઓમાં પેટ્રોલિંગ 1 - image


Ram Mandir Security: હિન્દુ સમાજના 500 વર્ષોના આકરા તપ બાદ છેવટે સોમવાર 22 જાન્યુઆરી એટલે કે આજના દિવસે ભગવાન રામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે જેને લઈને દેશ સહિત દુનિયાભરમાં ઉજવણીનો માહોલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત સંત સમાજ અને વિશેષ અતિથિઓની હાજરીમાં રામલલાના શ્રીવિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠાનું ઐતિહાસિક અનુષ્ઠાન આજે સંપન્ન થશે. આવા સમયે કોઈપણ નકારાત્મક તત્વોના તોફાનોને ડામવા માટે અયોધ્યા નગરીને બખ્તરબંધ ગાડીઓ, બ્લેકકેટ કમાન્ડો સહિત 13 હજાર સુરક્ષા કર્મચારીઓ, 10 હજાર સીસીટીવી, એન્ટી ડ્રોન સિસ્ટમ, ચહેરાની ઓળખ કરતા એઆઈ કેમેરાથી અભેદ્ય બનાવાઈ છે. અયોધ્યાને જળ, જમીન અને આકાશથી સુરક્ષિત કરાઈ છે.

સરયૂ નદીમાં હોડીઓ દ્વારા પેટ્રોલિંગ, રસ્તા પર વાહનોનું ચેકિંગ

સરયૂ નદીમાં હોડીએ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. નદી કિનારે ફૂટ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉપરાંત સુરક્ષાકર્મીઓ ઊંચી ઈમારતો પરથી દૂરબીનથી નજર રાખી રહ્યા છે. સર્ચ ડોગ્સ, સ્નાઈપર્સ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ક્વિક એક્શન ટીમો વિવિધ સ્થળોએ તહેનાત કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, એસપીજી, એટીએસ અને અન્ય ગુપ્તચર એજન્સીઓએ અધ્યાયમાં સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સંભાળી હતી. રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 8000થી વધુ લોકો ભાગ લેશે. જેમાં રાજકીય, વેપાર, મનોરંજન, રમતગમત અને અન્ય ક્ષેત્રના લોકોનો સમાવેશ થાય છે. શહેરની તમામ હોસ્પિટલો એલર્ટ પર છે. વિવિધ સ્થળોએ એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવી છે. ફાયર વિભાગના વાહનો પહેલાથી જ સંવેદનશીલ સ્થળો પર મુકી દેવામાં આવ્યા છે. સુરક્ષા માટે મોટી સંખ્યામાં સ્વયંસેવકો પણ તહેનાત છે.


Google NewsGoogle News