રામપથની લાઈટ ચોરી મામલે નવો ધડાકો, કંપની પર જ લાગ્યો મોટો આરોપ, તંત્રએ કહ્યું - તપાસ કરીશું
Stolen Fancy Lights in Ayodhya: પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન અયોધ્યાને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. આકર્ષક દેખાવ આપવા માટે વિવિધ સ્થળોએ રંગબેરંગી લાઈટો, બામ્બુ લાઈટો, ગોબો પ્રોજેક્ટર લાઈટો લગાવવામાં આવી હતી. તાજેતરમાં શહેરના ભક્તિપથ અને રામપથ પર લગાવવામાં આવેલી આ લાઈટોની કથિત રીતે ચોરી થઈ હતી. આ બાબત સામે આવતાં તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્રે દાવો કર્યો છે કે બામ્બુ લાઇટો અને પ્રોજેક્ટર લાઇટો જે ચોરાઇ હતી તે વાસ્તવમાં ત્યાં લગાવવામાં આવી ન હતી.
કોન્ટ્રાક્ટરો સામે છેતરપિંડીના આરોપ
અયોધ્યા પ્રશાસને કહ્યું છે કે લાઇટ લગાવનાર કોન્ટ્રાક્ટરો સામે છેતરપિંડીના આરોપમાં કેસ નોંધવામાં આવશે. આ કથિત ચોરી બાબતે સ્થાનિક પ્રશાસને દાવો કર્યો છે કે જે લાઈટોની ચોરી થઈ હોવાનું કહેવાય છે તે કદાચ ક્યારેય લગાવવામાં આવી જ ન હતી.
કોન્ટ્રાક્ટરો સામે કેસ કરવામાં આવશે
ભક્તિપથ અને રામપથમાંથી કથિત રીતે ચોરાયેલી બામ્બુ લાઇટ અને ગોબો પ્રોજેક્ટર લાઇટના મામલામાં અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ ગૌરવ દયાલનું કહેવું છે કે, 'આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. સરકાર સાથે છેતરપિંડી કરવાના આરોપમાં કોન્ટ્રાક્ટરો સામે કેસ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.'
જ્યારે બામ્બુ અને ગોબો પ્રોજેક્ટર લાઇટો જે કંપની દ્વારા લગાવવામાં આવી હતી તેના પ્રતિનિધિનું કહેવું છે કે, '3800 જેટલી બામ્બુ લાઇટ અને 36 ગોબો પ્રોજેક્ટર લાઇટની ચોરીનો કેસ રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. ચોરાયેલા સામાનની કિંમત અંદાજે 50 લાખ રૂપિયા હોવાનો અંદાજ છે.'
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલના સંકેત, સ્વતંત્રતા દિવસ પર જ અજિત પવારે કરી મોટી જાહેરાત
ચોરીના બે મહિના પછી નોંધાઈ ફરિયાદ
પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન શહેરને ભવ્ય દેખાવ આપવા માટે, અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીએ કોન્ટ્રાક્ટ હેઠળ યશ એન્ટરપ્રાઈઝ અને ક્રિષ્ના ઓટોમોબાઈલ્સ દ્વારા રામપથના વૃક્ષો પર 6400 બામ્બુ લાઈટો અને ભક્તિ પથ પર 96 ગોબો પ્રોજેક્ટર લાઈટો લગાવવામાં આવી હતી.
આ પણ વાંચો: ભારતની એર ડિફેન્સ સિસ્ટમનું જલ્દી જ થશે ટેસ્ટિંગ, જાણો SAMAR-2ની ખાસિયત
પેઢીના પ્રતિનિધિ શેખર શર્માના જણાવ્યા અનુસાર, 19 માર્ચ સુધીમાં તમામ લાઇટો લગાવી દેવામાં આવી હતી, પરંતુ 9 મેના રોજ તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે કેટલીક લાઇટો ગાયબ હતી. તપાસમાં બહાર આવ્યું કે લગભગ 3800 બામ્બુ લાઇટ અને 36 ગોબો પ્રોજેક્ટર લાઇટ ચોરી થઈ ગઈ હતી. ચોરાયેલી લાઇટનો મામલો રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં 9 ઓગસ્ટના રોજ નોંધવામાં આવ્યો હતો, જ્યારે નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આ પેઢીને બે મહિના પહેલા જ એટલે કે મે મહિનામાં જ ચોરીની જાણ થઈ ગઈ હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.