રામલલા માટે વધુ એક મોટી ભેટ, સોનાના તીર-ધનુષ કરાશે દાન, જાણો કેટલું હશે વજન
નવી દિલ્હી,તા. 13 જાન્યુઆરી 2024, શનિવાર
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેકનો કાર્યક્રમ છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે. આ માટે અયોધ્યામાં મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા સંબંધિત કાર્યક્રમો 16 જાન્યુઆરીથી શરૂ થવાનો છે. ત્યારે અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યાના અમાવ રામ મંદિર દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને 2.5 કિલોનું ધનુષ આપવામાં આવશે.
આ અંગે અયોધ્યાના અમાવ રામ મંદિરના ટ્રસ્ટી શયાન કુણાલે આ અંગે જણાવ્યું કે, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામની 'પ્રાણ પ્રતિષ્ઠા' (અભિષેક) પહેલા અમે ચેન્નાઈથી તેમના માટે ધનુષ અને તીર લાવીશું. આ 19 જાન્યુઆરીએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને દાન કરવામાં આવશે.
શયાન કુણાલે કહ્યું કે,'ચેન્નાઈના કુશળ કારીગરો દ્વારા ધનુષ બનાવવામાં આવ્યું છે.આ ધનુષ વાલ્મીકિ રામાયણમાં કરવામાં આવેલા વર્ણન પ્રમાણે બનાવવામાં આવ્યું છે. તેમાં વિવિધ તીરોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. આ ધનુષ બનાવવામાં 23 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 2.5 કિલો વજનના ધનુષને બનાવવા માટે લગભગ 600-700 ગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.