એક્સિસ બેંકે મેક્સ લાઇફના શેરોના લે-વેચથી રૂ. 4000 કરોડનો અયોગ્ય લાભ મેળવ્યો
- સુબ્રમણ્યમ સ્વામીનો દિલ્હી હાઇકોર્ટમાં દાવો
- એકિસસ બેંકના વકીલને અરજીની નકલ ન મળતા ભાજપ નેતાએ દાખલ કરેલ જાહેર હિતની અરજી અંગે આગામી સુનાવણી 13 માર્ચે
નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સુબ્રમણ્યમ સ્વામીએ આજે દિલ્હી હાઇકોર્ટમાં મેક્સ લાઇફ ઇન્સ્યુરન્સના શેરોના ખરીદ અને વેચાણથી અયોગ્ય લાભ મેળવવા માટે એક્સિસ બેંક દ્વારા કરવામાં આવેલ કથિત છેતરપિંડીની તપાસનો આદેશ જારી કરવાની માગ કરી છે.
એક્સિસ બેંક તરફથી હાજર રહેલા વકીલે જણાવ્યું હતું કે તેમની અરજીની નકલ મળી નથી. ત્યારબાદ કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ મનમોહન અને ન્યાયમૂર્તિ મનમિત પી એસ અરોરાની બનેલી ખંડપીઠે જાહેર હિતની અરજીની આગામી સુનાવણી ૧૩ માર્ચે રાખી છે.
ભાજપના પૂર્વ સાંસદ સ્વામીએ કોર્ટને કેસની તપાસ માટે નિષ્ણાતોની એક સમિતિની રચના કરવાની અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે ખાનગી બેંકોની અનિયિમિતતાઓને સપાટી પર લાવવી જોઇએ.
સ્વામીએ પોતાની અરજીમાં આરોપ મૂક્યો છે કે એક્સિસ બેંકે બિન પારદર્શક રીતે અને નિયમોનો ભંગ કરીને મેક્સ લાઇફ ઇન્સ્યુરન્સના શેરોના ખરીદ અને વેચાણથી ૪૦૦૦ કરોડ રૂપિયાની અયોગ્ય કમાણી કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે માર્ચ ૨૦૨૧માં એક્સિસ બેંકે મેક્સ લાઇફના ૦.૯૯૮ ટકા શેરો ૧૬૬ રૂપિયાના ભાવે મેક્સ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (એમએફએસએલ) અને મિત્સુઇ સુમિટોમો ઇન્ટરનેશનલને વેચ્યા હતાં. ત્યારબાદ થોડાક જ સમય પછી માર્ચ-એપ્રિલ, ૨૦૨૧માં એક્સિસ બેંક લિમિટેડ અને તેના ગુ્રપ એકમોએ ૩૧.૫૧ રૂપિયાથી ૩૨.૧૨ રૂપિયાના ભાવમાં એમએફએસએલ પાસેથી ૧૨.૦૦૨ ટકા શેરો ખરીદ્યા હતાં.