પુરસ્કાર આપતા પહેલા લેવામાં આવે સંમતિ... ‘એવોર્ડ પરત આપવા’ મુદ્દે સંસદીય સમિતિ લાવી પ્રસ્તાવ, જાણો શું કહ્યું
વિજેતાઓને એવોર્ડ આપતા પહેલા તેમની લેખિત સંમતિ લેવી જોઈએ અને બાંહેધરી પર સહી કરવી જોઈએ : સંસદીય સમિતિનો પ્રસ્તાવ
સમિતિએ કહ્યું, સાહિત્ય અકાદમી અને બિન-રાજકીય સંસ્થાઓમાં રાજકારણને કોઈ સ્થાન નથી, એવોર્ડ પરત કરવો તે દેશનું અપમાન છે
Image - wikipedia |
નવી દિલ્હી, તા.25 જુલાઈ-2023, મંગળવાર
ઘણીવાર પુરસ્કાર મેળવનારાઓ સન્માન સાથે એવોર્ડ મેળવે છે અને ત્યારબાદ કેટલાક રાજકીય કારણોસર તેને પરત કરી દે છે. જોકે આ બાબતને સંસદીય સમિતિએ દેશનું અપમાન ગણાવી છે અને સાથે જ સમિતિ પ્રસ્તાવ પણ લાવી છે. પ્રસ્તાવમાં જણાવ્યા મુજબ સરકાર પાસેથી એવોર્ડ પ્રાપ્ત કરનારાઓએ સન્માન મેળવતા પહેલા તેમની લેખિત સંમતિ આપવી જોઈએ અને બાંહેધરી પર સહી કરવી જોઈએ. ઉપરાંત સંસદીય સમિતિએ એવોર્ડ પરત કરવાની પ્રક્રિયાને નિરાશાજનક બાબત ગણાવી આ પ્રક્રિયાને નિરુત્સાહિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
એવોર્ડ મેળવ્યા બાદ પરત કરવો દેશનું અપમાન
સંસદીય સમિતિએ પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ પર સંસદમાં ‘રાષ્ટ્રીય અકાદમીઓ અને અન્ય સાંસ્કૃતિક સંસ્થાઓની કામગીરી’ શીર્ષક હેઠળ એક અહેવાલ રજુ કર્યો છે. YSRCPના વિજય સાઈ રેડ્ડીની અધ્યક્ષતા હેઠળની સમિતિએ કહ્યું કે, સમિતિનું સૂચન છે કે, જ્યારે કોઈપણ પુરસ્કાર આપવામાં આવે, તો એવોર્ડ મેળવનારાની સંમતિ ફરજીયાત લેવી જોઈએ, જેથી તે રાજકીય કારણોસર એવોર્ડ પરત ન કરે... કારણ કે એવોર્ડ મેળવ્યા બાદ પરત કરવો તે દેશનું અપમાન છે. સમિતિમાં મુખ્ય સભ્યોમાં ડૉ.સોનલ માન સિંહ, મનોજ તિવારી, છેદી પહલવાન, દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’, તીરથ સિંહ રાવત, રજની પાટિલ, તાપિર ગાઓ અને રાજીવ પ્રતાપ રૂડ્ડી સામેલ હતા.
સાહિત્ય અકાદમી અને બિન-રાજકીય સંસ્થાઓમાં રાજકારણને કોઈ જગ્યા નથી
આ પ્રસ્તાવને યોગ્ય ઠેરવતા સમિતિએ કહ્યું કે, સાહિત્ય અકાદમી અને અન્ય સંસ્થાઓ બિન-રાજકીય સંસ્થાઓ છે, જેમાં રાજકારણને માટે કોઈ જગ્યા નથી.. રિપોર્ટમાં જણાવાયું છે કે, અકાદમી દ્વારા અપાતા પુરસ્કારો (જેમ કે સાહિત્ય અકાદમી પુરસ્કાર) પ્રાપ્ત કરનારાઓ દ્વારા કેટલાક રાજકીય કારણોસર પુરસ્કારો પરત આપવાના કિસ્સાઓ સામે આવ્યા છે, જે સંબંધિત અકાદમીની સ્વાયત્ત કામગીરી અને સાંસ્કૃતિક અધિકારના દાયરાની બહાર છે... પુરસ્કાર પરત કરવાની આવી કેટલીક ઘટનાઓના કારણે અન્ય પુરસ્કાર વિજેતાઓની સિદ્ધીઓને નબળી પાડે છે તેમજ પુરસ્કારોની પ્રતિષ્ઠા અને સન્માનને પણ પ્રભાવિત કરે છે.
...તો વિજેતાને ભવિષ્યમાં પણ ન મળવો જોઈએ પુરસ્કાર
સમિતિએ કહ્યું કે, પુરસ્કાર વિજેતા ભવિષ્યમાં પણ પુરસ્કારનું અપમાન ન કરે તે માટે સિસ્ટમ બનાવી શકાય છે. આ સિસ્ટમ હેઠળ પુરસ્કાર આપતી વખતે પ્રસ્તાવિત વિજેતા પાસેથી બાંયધરી લેવામાં આવે... આ બાંયધરી વગર કોઈને પણ પુરસ્કાર નહીં આપી શકાય... જો પુરસ્કાર પરત કરવામાં આવે તો પુરસ્કાર વિજેતાને ભવિષ્યમાં પુરસ્કાર મેળવવાનો અધિકાર ન રહેવો જોઈએ.
ક્યારથી શરૂ થયો પુરસ્કાર પરત કરવાનો ટ્રેન્ડ ?
ઉલ્લેખનિય છે કે, વર્ષ 2015માં કલબુર્ગી હત્યા કાંડ સામે આવ્યો હતો, જેમાં ઉદય પ્રકાશ, નયનતારા સહગલ અને અશોક વાજપેઈની આગેવાની હેઠળ 33 પુરસ્કાર વિજેતાઓએ તેમના પુરસ્કારો પરત કરી દીધા હતા. ત્યારથી આ ટ્રેન્ડ શરૂ થયો છે.