Good News : દેશમાં 2025માં નવી એરલાઈન્સની એન્ટ્રી, ટૂંક સમયમાં શરૂ કરશે ફ્લાઈટ, સસ્તામાં કરાવશે પ્રવાસ
Air Kerala : દેશમાં આજથી નવા વર્ષ 2025ની શરૂઆત થવાની સાથે ગૂડ ન્યૂઝ પણ મળવાના શરૂ થઈ ગયા છે. આ વર્ષે સસ્તી મુસાફરી કરવાની પણ તક મળવાની છે. વાસ્તવમાં દેશમાં નવી લો-કૉસ્ટ એરલાઈન્સની એન્ટ્રી થઈ છે અને તેનું નામ છે ‘એર કેરલ’. એરલાઈન્સની જાહેરાત મુજબ તે ટૂંક સમયમાં ફ્લાઈટો શરૂ કરશે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે, એર કેરલ લોકોને સસ્તામાં મુસાફરી કરાવશે.
એરલાઈન્સે ભરતી પ્રક્રિયા શરૂ કરી
કંપનીએ સત્તાવાર જાહેરાત કરી છે કે, તે આ વર્ષના બીજા ક્વાર્ટરમાં ઓપરેશન કામગીરી શરૂ કરી દેશે. આ ઉપરાંત એરલાઈન્સે એવું પણ કહ્યું છે કે, તે લોકોને સસ્તા દરે મુસાફરી પુરી પાડશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, કંપનીએ ઓપરેશન કામગીરી શરૂ કરવા માટે મોટાપાયે ભરતી શરૂ કરી દીધી છે. એરલાઈન્સના ચેરમેન અફી અહમદે કહ્યું કે, અમે ભારતમાં ટેકનિકલ અને ઓપરેશન ટીમોની ભરતી કરી રહ્યા છીએ, જ્યારે સેલ્સ અને માર્કેટિંગ સહિત કોમર્શિયલ સ્ટાફની ભરતી પ્રક્રિયા યુએઈમાં શરૂ કરવામાં આવશે.
પાયલોટ, કેબિન ક્રૂની ભરતી પહેલેથી જ શરૂ
એર કેરાલાના ચેરમેને વધુમાં કહ્યું કે, ‘હાલ સેલ્સ અને માર્કેટિંગ સ્ટાફ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે, તેથી કંપનીનું યુએઈમાંથી કોમર્શિયલ સ્ટાફની ભરતી કરવાનું લક્ષ્ય છે. પાયલોટ, કેબિન ક્રૂની ભરતી પહેલેથી જ શરૂ કરી દેવાઈ છે. ચીફ પાયલટ અને પાયલટ ટ્રેનર્સની પણ નિમણૂક કરવામાં આવી છે. એરલાઈન્સ કંપનીએ ગત વર્ષે ઓક્ટોબરમાં ઉપપ્રમુખ તરીકે ભારતીય પાયલટ સંઘના પ્રમુખ કેપ્ટન સી.એસ.રંધાવાની નિમણૂક કરી હતી. જ્યારે નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોમાં મહત્ત્વની ભૂમિકા નિભાવનાર કેપ્ટન આશુતોષ વશિષ્ઠને સુરક્ષા ઉપપ્રમુખ બનાવ્યા છે.
એરલાઈન્સને સર્ટિફિકેટ મળવાનું બાકી
એર કેરાલાના સીઈઓ હરીશ કુટ્ટીએ કહ્યું કે, ‘અમે ભારતમાંથી પાયલટ અને પાયલટ ટ્રેનિંગ ક્રૂની ભરતી પર ધ્યાન આપી રહ્યા છીએ, કારણ કે તેઓ સારી રીતે નિયમો જાણે છે. અમે વિદેશી ટ્રેનર્સની પણ ભરતી કરી શકીએ છીએ, પરંતુ અમે લાગે છે કે, હાલ ભારતીયોને રાખવા વધુ સારું છે. ઉલ્લેખનીય છે કે, એરલાઈન્સ કંપનીને હજુ સુધી નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) પાસેથી એર ઑપરેટર સર્ટિફિકેટ મળવાનું બાકી છે.
કંપનીને 2024માં મળી હતી NOC
એર કેરાલાની મૂળ કંપની ઝેટફ્લાય એવિએશનને જુલાઈ 2024માં DGCA તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળ્યું હતું. એરલાઇન 2025ના બીજા ક્વાર્ટરમાં કોચીથી ટાયર ટુ અને ટાયર થ્રી શહેરો માટે સ્થાનિક ફ્લાઇટ્સ શરૂ કરવાની યોજના ધરાવે છે, ત્યારબાદ ગલ્ફ દેશો માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં એરલાઈન્સ ત્રણ ATR 72-600 વિમાનોનો ઉપયોગ કરશે અને દેશના ટિયર 2 અને ટાયર 3 જેવા નાના શહેરોમાં ફ્લાઈટ શરૂ કરશે. હરીશ કુટ્ટીએ કહ્યું કે, હાલમાં કંપની પાસે ત્રણ વિમાનો છે. જ્યારે અમારી પાસે અમારી સ્થાનિક કામગીરી માટે 15-17 વિમાનો હશે, ત્યારે અમે અમારા કાફલામાં નેરો-બોડી જેટને સામેલ કરીશું. અમે 2026માં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાની પણ યોજના બનાવીએ છીએ.