Get The App

ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓ માટે 'No Further Stay'ની શરત, સ્ટુડન્ટ વિઝા પૂરા થાય એટલે ઘરભેગા થવું પડશે

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓ માટે 'No Further Stay'ની શરત, સ્ટુડન્ટ વિઝા પૂરા થાય એટલે ઘરભેગા થવું પડશે 1 - image


Australia New Visa Policy : ઓસ્ટ્રેલિયાએ ભારત સહિત અન્ય દેશોમાંથી ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે વિઝાના કડક નિયમો જાહેર કર્યા છે. તેણે No Further Stay શરત લાગુ કર્યા બાદ ત્યાં રહેતા ઘણા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી શકે છે. આ નિયમના કારણે ભણતરની સાથે નોકરી કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને અસર થઈ શકે છે. આ શરતનો અર્થ એ થાય છે કે, ભણવા માટે આવેલા વિદ્યાર્થીઓ, કામ માટે કે કાયમી વસવાટ માટેનાં વિઝા માટે અરજી નહીં કરી શકે. આ નિયમનો હેતુ કામચલાઉ વિઝાનો ઉપયોગ કરીને ઓસ્ટ્રેલિયામાં રોકાણને લંબાવતા વિદ્યાર્થીઓને અટકાવવા માટેનો છે.

...તો વિદ્યાર્થીઓએ છોડવું પડશે ઓસ્ટ્રેલિયા

No Further Stay શરત મુજબ વિઝાધારકો ઓસ્ટ્રેલિયામાં અન્ય કોઈપણ વિઝા માટે અરજી કરી શકશે નહીં. જે વિદેશી વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા ચાલુ હશે, તેઓ કામ માટે કે કાયમી વસવાટ માટેનાં વિઝા માટે અરજી નહીં કરી શકે. જો તેમના સ્ટુડન્ટ વિઝાનો સમયગાળો સમાપ્ત થઈ જાય તો તેમણે ઓસ્ટ્રેલિયા છોડવું પડશે અને પછી જ નવા વિઝા માટે અરજી કરી શકશે. જોકે આમાં કેટલાક ચોક્કસ કારણો હેઠળ કેટલીક છુટછાટ અપાઈ છે. હાલ કોઈપણ વિદ્યાર્થીઓના વિઝા વેલિડ હોય કે એક્સપાયર થઈ ગયા હોય, તે તમામને આ નિયમ લાગુ પડશે.

ઓસ્ટ્રેલિયાએ વિઝા નિયમ કેમ બદલ્યો?

ઘણી વખત એવું બનતું હોય છે કે, વિદેશી વિદ્યાર્થીઓ ટેમ્પરરી વિઝાનો ઉપયોગ કરીને ઓસ્ટ્રેલિયામાં જુદા જુદા ટાઈપના વિઝા માટે અરજી કરતા હોય છે અને તે વિઝા મેળવ્યા બાદ સતત પોતાનું રોકાણ વધારતા જાય છે, ત્યારે આ બાબતને અટકાવવા માટે ઓસ્ટ્રેલિયાએ વિઝાના નિયમોમાં ફેરફાર કર્યા છે. ઓસ્ટ્રેલિયાનું માનવું છે કે, વિઝા મેળવનાર વ્યક્તિ દેશમાં જે હેતુથી આવ્યો હોય તે હેતુનું જ પાલન કરે અને વિઝા ઓવરસ્ટે ન કરે.

નવા નિયમોમાં કોને રાહત મળી શકે?

No Further Stay શરતમાં એવું પણ જણાવાયું છે કે, જો કોઈની આરોગ્ય સ્થિતિ ખરાબ હોય કે ટ્રાવેલ ન કરી શકે. અથવા તે વ્યક્તિ જે દેશનો છે તે દેશમાં યુદ્ધની સ્થિતિ હોય અથવા ભયંકર કુદરતી આફત આવી હોય, તો તેવા સંજોગોમાં નિયમોમાં રાહત મલી શકે છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીને તેની સ્કુલે એપ્રૂવ્ડ કોર્સ ન આપ્યો હોય કે પછી તેમના નજીકના વ્યક્તિનું આરોગ્ય ગંભીર હોય અથવા મૃત્યુ થયું હોય, તો તેવા સંજોગોમાં પણ નિયમમાં છુટછાટ મળી શકે છે.


Google NewsGoogle News