Lok Sabha Elections 2024: બેઠક વહેંચણી પહેલાં લાલુ અને લેફ્ટએ કર્યો ખેલ! કોંગ્રેસ મોટી મુંઝવણમાં

લાલુ અને ડાબેરી પક્ષો સીટ વહેંચણી અંગે સમજૂતી ન થવા છતાં ઉમેદવારો જાહેર કરવા લાગતાં ગુંચવણભરી સ્થિતિ સર્જાઈ

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
Lok Sabha Elections 2024: બેઠક વહેંચણી પહેલાં લાલુ અને લેફ્ટએ કર્યો ખેલ! કોંગ્રેસ મોટી મુંઝવણમાં 1 - image


Lok Sabha Elections 2024: બિહારમાં યોજાનારી લોકસભા ચૂંટણી માટે મહાગઠબંધનમાં હજુ સુધી બેઠક વહેંચણી અંગે સમજૂતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ દરમિયાન આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને ડાબેરી પક્ષો સતત તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે અને તેમને સિમ્બોલ પણ આપી રહ્યા છે. જેના લીધે બિહાર કોંગ્રેસ નેતૃત્વ સામે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. 

બે બેઠકો પર લડવા માગતી હતી કોંગ્રેસ અને... 

ખરેખર ઔરંગાબાદ અને બેગુસરાય લોકસભા બેઠકો વિશે ચર્ચા ચાલી રહી છે. ત્યાં કોંગ્રેસ તેના ઉમેદવારો ઉભા કરવા માંગતી હતી અને સીટ વહેંચણી માટેની મીટિંગમાં આ બે બેઠકો પર તેણે દાવો પણ કર્યો હતો પરંતુ હજુ સુધી સીટની વહેંચણી અંગે કોઈ સમજૂતી ન થવાને કારણે આરજેડી અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીએ આ બે બેઠકો પોત-પોતાના ઉમેદવારો મેદાને ઉતારી દીધા છે. 

લાલુ પ્રસાદે કોને આપી ટિકિટ? 

લાલુ પ્રસાદે અભય કુશવાહાને ઔરંગાબાદથી પાર્ટીના ઉમેદવાર બનાવીને સિમ્બોલ આપ્યું છે, તો બીજી તરફ બેગુસરાયમાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીએ અવધેશ રાયને પોતાના ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ પાર્ટી ઔરંગાબાદના પૂર્વ સાંસદ નિખિલ કુમારને પોતાના ઉમેદવાર તરીકે ઉતારવા માંગતી હતી, પરંતુ તે પહેલા લાલુએ કોંગ્રેસ સાથે મોટી રમત રમી નાખી અને અભય કુશવાહાને પાર્ટી સિમ્બોલ આપી દીધું છે તેવો દાવો થઈ રહ્યો છે. 

ઔરંગાબાદમાં પ્રથમ તબક્કામાં મતદાન

ઉલ્લેખનીય છે કે બિહારના ઔરંગાબાદમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે જ મતદાન થશે. બીજી તરફ, કોંગ્રેસ તેની પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા કન્હૈયા કુમારને બેગુસરાય બેઠક પરથી ઉતારવા માંગતી હતી અને મહાગઠબંધનના અન્ય ઘટકો સાથે સતત વાતચીત કરી રહી હતી, પરંતુ લાલુ પ્રસાદના એકતરફી નિર્ણયથી પ્રભાવિત થઈને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીએ શુક્રવારે બેગુસરાયથી અવધેશ રાયની ઉમેદવારી અંગે જાહેરાત કરી દીધી જેના લીધે કોંગ્રેસ ખાલી હાથે રહી હતી.

કોંગ્રેસના પૂર્વ સાંસદ ભડક્યાં... 

ઔરંગાબાદ સીટ ગુમાવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ સાંસદ નિખિલ કુમારે આરજેડી પર પ્રહારો કર્યા છે અને કહ્યું કે કોંગ્રેસ સમગ્ર મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને લાલુ પ્રસાદને એકતરફી નિર્ણય લેતા અટકાવે. નોંધનીય છે કે નિખિલ કુમાર ઔરંગાબાદથી પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે અને તેમણે પાર્ટી હાઈકમાન્ડને કહ્યું છે કે લાલુને કોંગ્રેસ સીટ અંગે નિર્ણય લેતા રોકવા જોઈએ.

બેગુસરાયમાં પણ કોંગ્રેસને આંચકો

બેગુસરાયમાં અવધેશ રાયની ઉમેદવારીની જાહેરાત બાદ કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે. કન્હૈયા કુમાર 2019ની લોકસભા ચૂંટણીમાં બેગુસરાયથી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર હતા. પરંતુ હવે તેઓ કોંગ્રેસમાં છે, તેથી કોંગ્રેસ તેમને બેગુસરાયથી ચૂંટણીમાં ઉતારવાની તૈયારી કરી રહી હતી. તે પહેલા જ ડાબેરી પાર્ટીએ ઉમેદવારના નામની જાહેરાત કરી તેને જોરદાર ઝટકો આપ્યો છે. હવે આવી સ્થિતિમાં બિહાર મહાગઠબંધનમાં કોંગ્રેસની સતત અવગણનાને કારણે આરજેડી અને ડાબેરીઓ જે રીતે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે તેના કારણે કોંગ્રેસ 40માંથી 8 કે 9 બેઠકો પર પણ ચૂંટણી લડી શકશે કે કેમ તેવો સવાલ ઉઠી રહ્યો છે.

 


Google NewsGoogle News