કેદારનાથમાં આભ ફાટ્યું, મંદાકિનીમાં ઘોડાપૂર: ભક્તોને સુરક્ષિત સ્થાન પર લઈ જવાયા, ભારે નુકસાનની આશંકા

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
Heavy Rain In Kedarnath


Heavy Rain In Kedarnath : ઉત્તરાખંડમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. કેદારનાથ વિસ્તારમાં આભ ફાટવાથી મંદાકિની નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેના કારણે ગૌરીકુંડ વિસ્તારમાં અફરાતફરી સર્જાઇ છે. મંદાકિની નદીનું જળસ્તર ભયજનક સપાટીને વટાવી જતાં SDRFના જવાનોને રવાના કરવામાં આવ્યા છે. કેદારનાથ અને યમુનોત્રીના પગપાળા રૂટ પર વરસાદના કારણે યાત્રા રોકી દેવામાં આવી છે. ભક્તોને સુરક્ષિત સ્થાન પર આશરો આપવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ધામીએ ઈમરજન્સી કંટ્રોલરૂમથી વરસાદ અંગે સમીક્ષા કરી છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયામાં જાણકારી આપી છે કે, 'કેદારનાથમાં ભક્તોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડી દેવામાં આવ્યા છે.'

કેદારનાથ-યમુનોત્રી ચારધામની યાત્રા રોકવામાં આવી 

ઉત્તરાખંડના કેદારનાથ વિસ્તારમાં રાત્રે નવ વાગ્યાની આસપાસ અચાનક ભારે વરસાદને પગલે આભ ફાટવાથી મંદાકિની નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આ દરમિયાન કેદારનાથ અને યમુનોત્રીના પગપાળા યાત્રા રોકી દેવામાં આવી છે. પહાડી વિસ્તારોની સ્થિતિને લઈને પોલીસ મહાનિર્દેશકે જણાવ્યું હતું કે, 'કેદારનાથ અને યમુનોત્રી પદયાત્રાના રૂટ પર ભારે વરસાદને લઈને યાત્રાને રોકી દેવામાં આવી છે. જ્યારે મુસાફરોને સલામત જગ્યાએ મોકલવામાં આવ્યા છે. જો કે, હજુ સુધી જાનહાનિ અંગેની કોઈ માહિતી મળી નથી. બીજી તરફ, સુરકંડા નજીક પણ વાદળ ફાટ્યું હોવાની જાણકારી મળી છે.'

આ પણ વાંચો : વાયનાડમાં 250થી વધુના મોત : કુદરતના રૌદ્ર રૂપે તારાજી સર્જી, 300થી વધુ હજુ ગુમ

પદયાત્રા રૂટ પર એક વિશાળ પથ્થર આવતા રેલિંગ અને રોડને નુકસાન

કેદારનાથ અને યમુનોત્રી પદયાત્રાના રૂટ પર ભારે વરસાદને લઈને રૂટ પર એક વિશાળ પથ્થર આવવાને કારણે રેલિંગ અને રોડને નુકસાન થયું હતું. બીજી તરફ, મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેઓને સલામત સ્થળે મોકલવામાં આવ્યાં છે. આ દરમિયાન પોલીસ પ્રશાસન અને SDRFની ટીમ ફુલ એલર્ટ મોડમાં છે.

મુખ્યમંત્રી ધામીએ શું કહ્યું?

રાજ્યમાં અતિભારે વરસાદી સ્થિતિ અંગે મુખ્યમંત્રીએ જાણકારી મેળવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી ધામીએ ઈમરજન્સી કંટ્રોલરૂમથી ભારે વરસાદ અંગે સમીક્ષા કરી છે. જ્યારે રાજ્યમાં ધોધમાર વરસાદને પગલે ધામીએ પહેલાથી NDRF અને SDRFની ટીમોને એલર્ટ રહેવા સૂચન આપ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, 'કેદારનાથ ધામની યાત્રા કરી રહેલા તમામ તીર્થયાત્રીઓને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યાં છે. આ સાથે સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા માટે જિલ્લા પ્રશાસન અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, તેઓ જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી પણ સતત અપડેટ લઈ રહ્યાં છે.'

કેદારનાથમાં આભ ફાટ્યું, મંદાકિનીમાં ઘોડાપૂર: ભક્તોને સુરક્ષિત સ્થાન પર લઈ જવાયા, ભારે નુકસાનની આશંકા 2 - image


Google NewsGoogle News