આંગ સાન સૂકીની પાર્ટી NLDના સાંસદ ફીયો ઝેયાર થોને દેહાંત દંડની સજા
- આ લોકશાહી તરફી નેતા ઉપર ત્રાસવાદી હોવાના આરોપો ઘડી કાઢવામાં આવ્યા હતા
નવી દિલ્હી : મ્યાનમારમાં લોકશાહી આંદોલનકાર યાંગ સાન સૂકીની પાર્ટી નેશનલ લીગ ફોર ડેમોક્રેસી (NLD) ના સાંસદ ફીયો ઝેયાર થોને મ્યાનમારની કાઉન્ટર ટેરરીઝમ કોર્ટે દેહાંત દંડની સજા ફટકારી છે.
આ માહિતી આપતાં અલ-ઝઝીરાએ જણાવ્યું છે કે, NLD ના અગ્રીમ કાર્યકર ફીઓ ઝેયાર થો ઉપર વિસ્ફોટકો રાખવાના, બોમ્બીંગ કરવાના અને ત્રાસવાદને નાણાંકીય સહાય કરવાના (ઘડી કાઢેલા) આરોપો મૂકવામાં આવ્યા હતા. તેવા જ આરોપો તેમના સાથી કો-જીમી તરીકે ઓળખાતા ક્યો મીન થુ ઉપર પણ મૂકવામાં આવ્યા હતા તેને પણ મ્યાનમારની મીલીટરી કોર્ટે દેહાંત દંડની સજા ફટકારી હતી. મીડીયા ચેનલ અલ ઝઝીરા આ અંગે જણાવે છે કે ગયા વર્ષના ફેબ્રુઆરીમાં આંગ સાન સૂ ક્યાની લોકશાહી સરકારને ઉથલાવી લશ્કરે સત્તા હાથ કર્યા પછી મ્યાનમાર અસામાન્ય અંધાધૂંધીમાં સપડાઈ ગયું હતું. ચારે તરફ વ્યાપક દેખાવોને લશ્કરી-શાસન વિરૃદ્ધ થવા લાગ્યા હતા. કેટલાક સ્થળે સવિનય કાનૂન ભંગની પણ લડત ઉઠાવવામાં આવી હતી.
આ સામે મ્યાનમારનું મીલીટરી જૂથ તૂટી જ પડયું હતું તેમાં અશ્રુવાયુ અને ગોળીબારોનો પણ ઉપયોગ થયો હતો જેથી ૧,૫૦૦થી વધુના મૃત્યુ થયા હતા હજ્જારોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
બીજી તરફ લોકશાહી તરફી આંદોલન ઉઠાવનાર નેતા યાંગ સાન સૂ ક્યા અને તેમના કુટુમ્બને લશ્કરી જૂન્ટાએ ૪ વર્ષની કેદ ફરમાવી હતી.