હું ઉઠી-બેસી નથી શકતો...: મોત પહેલા મુખ્તાર અંસારીએ પુત્રને કર્યો હતો ફોન, અંતિમ AUDIO થઈ વાયરલ
Image Twitter |
Mukhtar Ansari News : જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીનું ગુરૂવારે અવસાન થયું હતું. તેમના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. હાલમાં તેનું પોસ્ટમોર્ટમ બાંદા મેડિકલ કોલેજમાં ચાલી રહ્યું છે. આ પછી તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. પરંતુ આ દરમિયાન મુખ્તાર અને તેના નાના પુત્ર ઓમર અન્સારી વચ્ચેની છેલ્લી વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે.
મોત પહેલા મુખ્તાર અંસારીએ પુત્રને કર્યો હતો ફોન
'હું ઊભો નથી થઈ શકતો, હવે શરીરમાં હિંમત જ નથી રહી. હું બોલી પણ શકતો નથી. એવું લાગે છે કે હવે હું વધારે નહી જીવી શકુ. મારો આત્મા રહેશે અને મારું શરીર તો જતુ રહેશે. હું માત્ર એક જ વાર નમાઝ અદા કરી શકું છું. ખૂબ જ બેહોશી જેવો થઈ રહ્યો છું. મેં 18મી માર્ચથી રોજા નથી રાખ્યા.' આ શબ્દો મુખ્તાર અંસારીના છે, જે તેમના મૃત્યુ પહેલાનો છેલ્લો ઓડિયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેલમાં બંધ માફિયાની તેમના પુત્ર ઉમર અંસારી સાથેની ફોન વાતચીત વાયરલ થઈ રહ્યો છે.
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મુખ્તારનો આ વાયરલ વીડિયો તેના મૃત્યુના 1-2 દિવસ પહેલાનો હોવાનું કહેવાય છે. જેમાં મુખ્તાર તેની ખરાબ હાલત વિશે જણાવી રહ્યો છે. દીકરો ઉમર કહી રહ્યો છે કે 'પપ્પા, હિંમત રાખો. તમારા કરતાં વધારે હિંમત કોની પાસે છે? કંઈ પણ કરીને રોજ વાત કરો. રમઝાનનો પવિત્ર મહિનો છે. ઇન્શાઅલ્લાહ અમે લોકો જલ્દી હજ કરીશું. અમે ટૂંક સમયમાં તમારા માટે ખજૂર અને ઝમઝમ લઈને આવશું.'
વાયરલ ઓડિયોમાં ઝેરનો કોઈ ઉલ્લેખ નથી!
વાયરલ વીડિયોમાં ઉમર એમ કહેતો સાંભળવા મળે છે કે, અમે જલ્દી મળવા આવીશું. જો અમને ઓર્ડર મળી જશે તો અમે તરત જ આવીશું. જો કે, આ સમગ્ર વાતચીતમાં ક્યાંય પણ ઝેર આપવાની વાતનો ઉલ્લેખ નહોતો, કારણ કે અંસારીના પરિવારજનો દાવો કરી રહ્યા છે. તેઓ આરોપ લગાવી રહ્યા છે કે મુખ્તારને જેલની અંદર ધીમુ ઝેર આપીને મારી નાખવામાં આવ્યો હતો.