ભાજપના દિગ્ગજ નેતાના પુત્રની ઓડી કારે અનેક વાહનોને ટક્કર મારી, બે કારસવારની ધરપકડ
Marashtra News: મહારાષ્ટ્રના નાગપુરમાંથી સોમવારે (9 સપ્ટેમ્બર) ભાજપના પ્રદેશ અધ્યક્ષના પુત્રની ઓડી કારે અનેક વાહનોને ટક્કર મારવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ પોલીસે કારના ડ્રાઇવર સહિત અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. ઘટના અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આરોપીઓ દારૂના નશામાં ગાડી ચલાવી રહ્યા હતા.
શું છે સમગ્ર ઘટના?
પોલીસ અધિકારીઓએ આ અંગે જણાવ્યું કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષના પુત્ર સંકેતની ઓડી કારે આ કેસના ફરિયાદી જિતેન્દ્ર સોનકામ્બલેની કારને ટક્કર મારી હતી. જે દરમિયાન તેમની સાથે મુસાફરી કરી રહેલા બે યુવકોને ઈજા થઈ હતી. આ પછી માનકપુર વિસ્તારમાં કારે અન્ય કેટલાક વાહનોને પણ ટક્કર મારી હતી. જે પછી લોકોએ નેતાના પુત્રની કારને પીછો કરી તેને અટકાવી હતી. પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે કે ઘટના બાદ ભાજપ નેતાના પુત્ર સંકેત સહિત તેમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકો સ્થળ પરથી ભાગી ગયા હતા.
કાર ચાલક સહિત અન્ય એક પકડાયો
જો કે, લોકોએ કારના ડ્રાઈવર અર્જુન હાવરે અને અન્ય વ્યક્તિ રોનિત ચિત્તમવારને પકડી લીધા હતા અને તેમને તપાસ માટે પોલીસને સોંપ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે કારમાં સવાર લોકો ધરમપેઠના એક બીયર બારમાંથી પરત ફરી રહ્યા હતા. જો કે, ઓડીના મુસાફરોમાંથી કોઈએ દારૂ પીધો હતો કે નહીં તેની માહિતી મળી શકી નથી. આ મામલે પોલીસે ફરિયાદના આધારે કાર ઝડપથી ચલાવવા અને અન્ય ગુના હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષે નિવેદન આપ્યું
આ બાબતે પત્રકારો સાથે વાત કરતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાવનકુલેએ કહ્યું કે, 'ઓડી કાર તેમના પુત્ર સંકેતના નામે રજીસ્ટર છે. પોલીસે આ કેસમાં નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ. આ મામલામાં જે પણ દોષિત છે, તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. મેં કોઈ પોલીસકર્મી સાથે વાત કરી નથી. કાયદો દરેક માટે સમાન છે.'