અતુલ સુભાષ આત્મહત્યા મામલે પત્ની નિકિતા, સાસુ અને સાળાની ધરપકડ
- મારો પૌત્ર જીવિત છે કે નહીં? : અતુલના પિતાનો ડર
- ન્યાય નહીં મળે ત્યાં સુધી અતુલના અસ્થિનું વિસર્જન નહીં કરીએ, મોદી, યોગી, નીતિશ, તેજસ્વી મદદ કરે
૨૦૨૧માં નિકિતા રૂ. ૨૦ લાખમાં છૂટી થવા તૈયાર થઇ પણ કેસો પાછા નહોતા લેવા, સમજૂતી થઇ ગઇ હોત તો પુત્ર જીવિત હોત ઃ પિતા
પરિવાર અતુલ સુભાષના પિતા પવન મોદીએ કહ્યું હતું કે નિકિતા વર્ષ ૨૦૨૧માં જ મારા પુત્રથી ૨૦ લાખની સમજૂતી કરીને અલગ થવા તૈયાર થઇ હતી, અમે રૂપિયા આપવા તૈયાર થઇ ગયા હતા, જોકે નિકિતાને રૂપિયા જોઇતા હતા પરંતુ અતુલ સામે તેણે કરેલા કેસો પરત લેવા માટે તૈયાર નહોતી. એટલુ જ નહીં નિકિતાની માતાએ અતુલને એમ પણ કહ્યું હતું કે તે હજુસુધી આત્મહત્યા નથી કરી? નિકિતા અતુલને તેના પુત્રને પણ મળવા દેવાની ના પાડતી હતી. અતુલે આ વાત જજ સમક્ષ પણ કરી હતી.
૩૪ વર્ષીય અતુલની સામે તેની પત્ની નિકિતાએ નવ જેટલા કેસો કર્યા હતા, જ્યારે કાયમી સમજૂતી કરીને છૂટા પડવા માટે બેથી ત્રણ કરોડ રૂપિયાની માગણી કરી હતી. પત્નીના ત્રાસથી કંટાળીને અતુલે આત્મહત્યા કરી લીધી હતી, જે પહેલા તેણે વીડિયો બનાવી તમામ ખુલાસા કર્યા હતા. આ ખુલાસા બાદ પોલીસે નિકિતા, તેની માતા અને ભાઇની ધરપકડ કરી બેંગલુરુની કોર્ટમાં રજુ કરાયા હતા, કોર્ટે ત્રણેયને ૧૪ દિવસની ન્યાયીક કસ્ટડીમાં મોકલી દીધા છે. બીજી તરફ સુભાષના પિતાએ કહ્યું હતું કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા પુત્રના અસ્થિનું વિસર્જન નહીં કરીએ. અમને હવે અતુલના પુત્રને લઇને ચિંતા થઇ રહી છે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને આરજેડી નેતા તેજસ્વી યાદવને વિનંતી કરુ છું કે તેઓ મારા પૌત્રને પરત લાવવામાં અમને મદદ કરે.