Get The App

અતુલ સુભાષ આપઘાત કેસમાં મોટી કાર્યવાહી, પત્ની નિકિતા અને તેના સાસુ-સાળાની ધરપકડ

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
અતુલ સુભાષ આપઘાત કેસમાં મોટી કાર્યવાહી, પત્ની નિકિતા અને તેના સાસુ-સાળાની ધરપકડ 1 - image


Atul Subhash case | અતુલ સુભાષ આપઘાત કેસમાં પોલીસે એક મોટી કાર્યવાહી કરતાં પીડિતની પત્ની નિકિતા સિંઘાનિયા અને તેની માતા નિશા સિંઘાનિયા અને ભાઈની ધરપકડ કરી લીધી છે. બેંગ્લુરુ પોલીસે આ કાર્યવાહી ઉત્તરપ્રદેશના અલ્લાહાબાદ અને ગુરુગ્રામમાં કરી હતી. 

ક્યાંથી પકડાયા આ લોકો? 

નિકિતાની ગુરુગ્રામથી તથા તેની માતા અને ભાઇની અલ્લાહાબાદથી ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ બંનેને બેંગ્લુરુ લાવીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. 

બેંગ્લુરુમાં એન્જિનિયર હતો અતુલ

ઉલ્લેખનીય છે કે બેંગલુરુમાં એન્જિનિયર અતુલ સુભાષના આપઘાતની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે. અતુલ સુભાષે 24 પાનાની પોતાની સુસાઈડ નોટમાં પત્ની અને સાસરીયાઓની સાથે-સાથે જૌનપુરની ફેમિલી કોર્ટના જજ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે પોતાની પત્ની અને પુત્રને લઈને એક ભવિષ્યવાણી પણ કરી છે. આ ઉપરાંત અતુલે સુસાઈડ નોટમાં કેસની ટ્રાયલ અને પુત્રની કસ્ટડી સહિત પોતાની 12 અંતિમ ઈચ્છાઓ જણાવી છે. અતુલ સુભાષે ભવિષ્યવાણી કરી હતી કે, મારા મૃત્યુ બાદ પત્ની સહાનુભૂતિ મેળવવા માટે મારા બાળકને કોર્ટમાં લાવવાનું શરૂ કરી દેશે. જ્યારે હું કોર્ટમાં આવતો હતો ત્યારે તે બાળકને કોર્ટમાં એટલા માટે નહોતી લાવતી કે ક્યાંક હું તેને જોઈ ના લઉં. હવે હું કોર્ટને અપીલ કરું છું કે આ નાટકને મંજૂરી આપવામાં ન આવે. આ ઉપરાંત વધુ 11 અંતિમ ઈચ્છાઓ અતુલે જણાવી હતી.

શું હતી સમગ્ર ઘટના? 

કર્ણાટકના બેંગલુરુના રહેવાસી અતુલ સુભાષના લગ્ન ઉત્તર પ્રદેશના જૌનપુરની રહેવાસી નિકિતા સિંઘાનિયા સાથે થયા હતા. લગ્નના થોડા દિવસ સુધી તો બધું બરાબર ચાલ્યું, પછી નિકિતા અચાનક બેંગલુરુથી પાછી જૌનપુર જતી રહી. તેણે પોતાના પતિ અતુલ અને સાસરીવાળાની સામે દહેજ ઉત્પીડન અને ઘરેલું હિંસાનો કેસ કરી દીધો હતો. 

સાસરિયાઓ પર પણ લગાવ્યો આરોપ

અતુલ સુભાષે પોતાની આત્મહત્યા પહેલાં બનાવેલા વીડિયોમાં જણાવ્યું કે, 'મારી મોત માટે મારી પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા, સાળો અનુરાગ અને કાકાજી સસરા સુશીલ સિંઘાનિયા જવાબદાર છે. પૈસા પડાવવા માટે મારી પત્ની અને સાસરીવાળાઓએ કાવતરૂ ઘડ્યું. તેના પરિવારે મને જૂઠા કેસમાં ફસાવી દીધો. મારી અને મારા પરિવારની જિંદગી બર્બાદ કરી દીધી.'

2 વર્ષમાં 120 તારીખ

પોતાના વીડિયોમાં અતુલે જણાવ્યું કે, 'અત્યાર સુધી 120 કેસની તારીખ આપવામાં આવી છે અને 40 વાર ખુદ હું બેંગલુરુથી જૌનપુર જઈ આવ્યો છું. આ સિવાય મારા માતા-પિતા અને ભાઈને પણ કોર્ટના ધક્કા ખાવા પડી રહ્યાં છે. આ વાત જાણીને નવાઈ લાગશે કે, મોટાભાગની તારીખે તો કોર્ટમાં કંઈ થતું જ નથી. ક્યારેક જજ નથી હોતા અને ક્યારેક હડતાળ હોય છે. સુનાવણી દરમિયાન કોઈપણ પક્ષનો વકીલ આગળની તારીખની ડિમાન્ડ કરી શકે છે. મને વર્ષમાં ફક્ત 23 રજા જ મળે છે અને હવે હું આ સિસ્ટમથી થાકી ગયો છું.'

નીચલી અદાલતથી હાઈકોર્ટ સુધી ચાલ્યો કેસ

અતુલે સુસાઇડ નોટમાં લખ્યું કે, નિકિતા સિંઘાનિયાએ 6 કેસ લોઅર કોર્ટ અને ત્રણ હાઈકોર્ટમાં કર્યા છે. નિકિતાએ તેના માતા-પિતા અને ભાઈ ઉપર હત્યા, હત્યાનો પ્રયાસ, અપ્રાકૃતિક સમાગમ, ઘરેલુ હિંસા, દહેજ લેવાનો ખોટો આરોપ લગાવ્યો છે. આ આરોપોમાં એવી ધારાઓ છે, જેમાં જામીન મળવી પણ મુશ્કેલ છે. પત્નીએ એક કેસમાં આરોપ લગાવ્યો કે, 2019માં મારા પરિવારે 10 લાખ રૂપિયા દહેજ માંગ્યું, આ ઝટકાથી તેના પિતાની મોત થઈ ગઈ. ક્રોસ એગ્ઝામિનેશનમાં સાબિત થયું છે કે, નિકિતાના પિતાને હ્રદયની બીમારી હતી અને તેના કારણે તેમની મોત થઈ હતી. તેમની બીમારીના કારણે જ અમારા લગ્નની પણ ઉતાવળ કરવામાં આવી હતી.

વિચિત્ર ડિમાન્ડ કરતી હતી

વીડિયોમાં અતુલના દાવા અનુસાર, '2022માં નિકિતાએ અતુલના પરિવાર પર કેસ કરી દીધો હતો. મૃત્યુ પહેલાં અતુલે પોતાના લગ્ન જીવન વિશે જણાવ્યું કે, મારી પત્ની શારીરિક સંતોષ માટે પણ વિચિત્ર માગ કરતી હતી. આ કારણે હું તેનાથી અંતર રાખતો. મારી પત્નીએ છૂટાછેડા બદલે દર મહિને બે લાખ રૂપિયાના ભરણપોષણની માગ કરી. તેણે બાળકોને પણ દૂર રાખ્યા અને મને તેમને ક્યારેય મળવા પણ ન દીધો.'


અતુલ સુભાષ આપઘાત કેસમાં મોટી કાર્યવાહી, પત્ની નિકિતા અને તેના સાસુ-સાળાની ધરપકડ 2 - image




Google NewsGoogle News