VIDEO: '99 ટકા લગ્નોમાં પુરૂષોનો જ દોષ હોય છે...', IT એન્જિનિયર આપઘાત કેસ પર કંગનાએ ઝંપલાવ્યું
Bangalore engineer Atul Subhash Suicide case: બેંગ્લોરના એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસ પર અભિનેત્રી અને લોકસભા સાંસદ કંગના રનૌતે પણ પોતાનું નિવેદન આપ્યું છે. કંગનાએ કહ્યું છે કે, 'આ ઘટનાથી આખો દેશ આઘાતમાં છે અને દુઃખી પણ છે.' આ સિવાય કંગનાએ બેંગ્લોરના એન્જિનિયરના આત્મહત્યા કેસમાં બીજી ઘણી વાતો પણ કહી.
હૃદયને હચમચાવી નાખે તેવો છે વીડિયો
કંગના રનૌતે કહ્યું, 'તે યુવક (બેંગ્લોર એન્જિનિયર)નો વીડિયો હૃદયને હચમચાવી નાખે એવો છે. જ્યાં સુધી લગ્નનો સંબંધ ભારતીય પરંપરાઓથી બંધાયેલો છે ત્યાં સુધી તે સારું છે. પરંતુ જ્યારે સામ્યવાદ, સમાજવાદ, ખોટી રીતે ફેમનિઝ્મ (નારીવાદ )પણ સામેલ થાય છે ત્યારે લોકો તેને ધંધો બનાવીને કરોડો રૂપિયાની ઉચાપત કરે છે. આવુ ન થવું જોઈએ.
અલગ સંસ્થા બનાવવી જોઈએ
ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગનાએ કહ્યું કે, 'યુવાનો પર આવો બોજ ન હોવો જોઈએ. જેટલો તેનો પગાર પણ નથી તેના કરતાં ત્રણ ગણું વધુ ભથ્થું ચૂકવી રહ્યો છે. તેની પાસેથી વધુ પૈસાની માંગણી કરવામાં આવી રહી છે. આ દબાણમાં બેંગલુરુના એન્જિનિયરે આવું પગલું ભર્યું હતું. એક અલગ સંસ્થાની રચના કરવી જોઈએ, જે આવા પીડિતોના કેસની પણ તપાસ કરશે.
99 ટકા કેસોમાં પુરૂષોને દોષી ઠેરવવામાં આવ્યા હતા
કંગનાએ આગળ કહ્યું કે 'અમે ખોટી મહિલાનું ઉદાહરણ લઈ શકીએ નહીં. જેટલી મહિલાઓની દરરોજ સતામણી થાય છે તેની સંખ્યાને આપણે અવગણી શકીએ નહીં. લગ્નમાં 99 ટકા પુરુષોની જ ભૂલ હોય છે, તેથી જ આવી ભૂલો પણ થાય છે.’
શું છે સમગ્ર મામલો
કંગનાએ જે કેસની વાત કરી તે બેંગલુરુ સ્થિત એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાનો છે. મરતા પહેલા અતુલે દોઢ કલાક લાંબો વીડિયો બનાવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે પોતાની પત્ની પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત અતુલે લગભગ 24 પેજની સુસાઈડ નોટ પણ લખી છે. આ વીડિયો અને સુસાઈડ નોટમાં તેણે જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં તેને તેની પત્ની દ્વારા કેવી રીતે હેરાન કરવામાં આવી રહ્યો હતો. કોર્ટ પણ તેની પત્નીને સમર્થન આપી રહી છે. આ પછી તેણે આત્મહત્યા કરી લીધી.
આ આત્મહત્યા બાદ દેશમાં એક ચર્ચા શરૂ થઈ ગઈ છે, જેમાં આ પ્રકારના કેસમાં પુરુષો સામે કરાતી કડક કાયદાકીય પ્રક્રિયાની વાત કરાય છે.