અતુલ સુભાષ આત્મહત્યા મુદ્દે કંગના બાદ કોંગ્રેસના મુમતાઝ પટેલ પણ ટ્રોલ, છેવટે સ્પષ્ટતા કરવી પડી
Atul Subhash Suicide Case: દેશભરમાં હાલ મહિલાઓ માટે બનાવવામાં આવેલા કાયદાના દુરૂપયોગ અને કોર્ટમાં લાંબા સમય સુધી ચાલી રહેલા કેસ તેમજ તારીખ પર તારીખ વાળી સિસ્ટમ ખૂબ જ ચર્ચામાં છે. કારણકે, કાયદા અને વ્યવસ્થાની આ ખામીના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષે 24 પાનાની સુસાઈડ નોટ લખીને મોતને વહાલું કરી લીધું છે. જેનાથી તેની માનસિક પીડાનો અંદાજો લગાવી શકાય છે. યુવકે પોતાની પત્નીના ત્રાસ, જૂઠા કેસ અને કોર્ટમાં તારીખ પર તારીખથી કંટાળીને જીવન ટૂંકાવી દીધું છે. હવે આ મુદ્દે અનેક મોટી હસ્તીઓએ પોતાનો અભિપ્રાય આપ્યો છે અને આવા પુરૂષોને ન્યાય અપાવવા માટે વ્યવસ્થાની માગ કરી છે. આ વચ્ચે ભાજપના સાંસદ કંગના રણૌત અને કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલ પોતાના નિવેદનોને લઈને ટ્રોલ થઈ રહ્યા છે. જ્યારે કંગનાએ કહ્યું કે આવા 99% કેસોમાં પુરૂષોની ભૂલ જણાવી હતી તો બીજી તરફ સોશિયલ મીડિયા યુઝર્સને મુમતાઝનું એ નિવેદન પસંદ નથી આવ્યું કે 'ભૂલ બંનેની રહી હશે.' મુમતાઝે પોતાની વાત પર સ્પષ્ટતા આપતા એમ પણ કહ્યું કે, કેટલીક મહિલાઓ સશક્તિકરણ માટે બનેલા કાયદાનો દુરુપયોગ કરી રહી છે અને સરકાર અને ન્યાયતંત્રએ તેમની સામે કડક પગલાં લેવાની જરૂર છે.
અતુલ સુભાષે આપઘાત કરતા પહેલા 24 પાનાની સુસાઈડ નોટ લખી હતી
બેંગલુરુમાં એઆઈ એન્જિનિયર અતુલ સુભાષે આપઘાત કરતા પહેલા 24 પાનાની સુસાઈડ નોટ લખી હતી અને 81 મિનિટનો વિડિયો બનાવીને જણાવ્યું હતું કે, કેવી રીતે તેના તેની પત્ની સાથેના સંબંધો વણસેલા હતા અને તેને ખોટા કેસમાં ફસાવીને તેને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. હવે સમાજના વિવિધ વર્ગોમાંથી અતુલ સુભાષ જેવા પુરુષો માટે ન્યાયનો અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. મંડીથી લોકસભા સાંસદ કંગના રણૌતે બુધવારે એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા જ્યાં એક તરફ સુભાષ સાથેની ઘટનાને ગંભીર અને દુ:ખદ ગણાવી હતી, તો બીજી તરફ તેણે ઘણા લોકોને એવું કહીને નારાજ પણ કર્યા હતા કે લગ્નના આવા 99% કેસોમાં પુરુષોની ભૂલ હોય છે.
કંગના રણૌત બાદ કોંગ્રેસના મુમતાઝ પટેલ પણ ટ્રોલ
જ્યારે એક ન્યૂઝ એજન્સીએ કંગના રણૌતના આ નિવેદન મુદ્દે દિગ્ગજ નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ સાથે વાત કરી. મુમતાઝના મોઢામાંથી પણ એક એવી વાત નીકળી જેના માટે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. મુમતાઝે કહ્યું કે, તમામ પુરુષોને એક સમાન ન કહી શકાય. તેમણે વધુમાં કહ્યું કે, 'દેશમાં પિતૃસત્તાત્મક વ્યવસ્થા રહી છે. મહિલાઓને હંમેશા દબાવવામાં આવી છે. એવી ઘણી સ્ત્રીઓ છે જેઓ પીડિત અને દુ:ખી છે. પરંતુ અતુલ સુભાષ સાથે જે થયું જે સ્ટોરી આપણે સાંભળી અને જોઈ, બિલકુલ બંને પક્ષે તરફથી ભૂલ રહી હશે. જો કે, મુમતાઝે આગળ કહ્યું કે, સુભાષને માનસિક તણાવ આપવામાં આવી રહ્યો હતો. દુઃખ અને તણાવને કારણે તેમણે આત્મહત્યા કરવી પડી. તેના પર આ હદે દબાણ કરવામાં આવ્યું હતું. 'બંનેની ભૂલ રહી હશે' કહેવાના કારણે ઘણા લોકો મુમતાઝને ટ્રોલ કરી રહ્યા છે.
મુમતાઝે ટ્રોલિંગ પર આશ્ચર્ય વ્યક્ત કરતા સ્પષ્ટતા પણ આપી અને કહ્યું કે, જ્યારે મેં બંનેની ભૂલો વિશે વાત કરી તો તે લગ્ન દરમિયાનની કરી હતી. પરંતુ અલગ થયા બાદ કાયદાનો દુરુપયોગ કરીને પુરુષોને હેરાન કરવા એ ખોટું છે. મુમતાઝે શુક્રવારે એક વીડિયો મેસેજમાં કહ્યું કે, 'ભારતમાં મહિલાઓના સશક્તિકરણે નવી તકો આપી, પરંતુ કેટલાકે સુરક્ષા માટે બનાવેલા કાયદાનો દુરુપયોગ કર્યો છે. અતુલ સુભાષનો કિસ્સો આ પ્રવૃતિનું ચિંતાજનક ઉદાહરણ છે. સરકાર અને ન્યાયતંત્રને અપીલ છે કે, નિષ્પક્ષતાથી કાયદાનો દુરુપયોગ અટકાવવામાં આવે.