સાવધાન! બંધ રૂમમાં તાપણું જીવલેણ બની શકે છે, તેનો ધુમાડો તમારા પરિવારનો જીવ લઈ શકે છે
તીવ્ર ઠંડીથી બચવા ઘરમાં સગડી સળગાવીને સૂઈ જવું ખતરનાક
Image Wikipedia |
રાજધાની દિલ્હી સહિત નોઈડા, ફરીદાબાદ, ગુરુગ્રામ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને તમામ પહાડી વિસ્તારો સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હાલમાં તીવ્ર ઠંડી પડી રહી છે. જેમાં ઠંડીથી બચવા લોકો વિવિધ ઉપાયો કરી રહ્યા છે. ઘરની અંદર સામાન્ય તાપમાન જળવાઈ રહે તે માટે લોકો હીટર કે સગડીનો સહારો લેતા હોય છે. જો કે હીટર કે સગડી ક્યારેક મોતનું કારણ ન બને તેનું ખાસ ધ્યાન રાખવું જરુરી છે.
મહિલાનું મોત જ્યારે દીકરો સારવાર હેઠળ
નોઈડાના બિરોડી ગામમાં ગયા શનિવારે ઠંડીથી બચવા બંધ રુમમાં સગડી સળગાવીને સૂઈ ગઈ હતી. સગડીમાંથી નીકળતા ધુમાડાના કારણે ગૂંગળાઈ જવાથી મહિલાનું મોત થયું હતું અને તેના દીકરાને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. આ ઘટનાની હકીકત એવી છે કે 35 વર્ષીય એક મહિલા તેના દીકરા સાથે ઠંડીથી બચવા માટે બંધ રુમમાં સગડી સળગાવી સૂઈ ગઈ હતી. પરંતુ ઘણાં સમય સુધી મહિલા ઘરની બહાર ના આવતા પાડોશીઓએ દરવાજો તોડીને તેમને બંનેને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કર્યા હતા. જ્યાં ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી, જ્યારે તેના દીકરાની હાલત હાલમાં સામાન્ય છે. આ ઘટના પરથી અંદાજ લગાવી શકાય છે કે, ઘરમાં સગડી સળગાવીને સૂઈ જવું કેટલું ખતરનાક છે.
ઝેરીલો હોય છે સગડીનો ધુમાડો
જુના જમાનામાં લોકો ઠંડીથી બચવા માટે ઘરની અંદર સગડી સળગાવતા હતા. સગડીનો પ્રયોગ કરી લોકો ઠંડીથી રાહત મેળવતા હતા. પહાડોથી લઈને મેદાની વિસ્તારના ઘરોમાં ઠંડીથી બચવા માટે સગડી સામાન્ય સાધન માનવામાં આવે છે. પરંતુ તેમાં થોડી પણ લાપરવાહી કરવામાં આવે તો તેનો ધુમાડો જીવલેણ બની શકે છે. હકીકતમાં સગડીમાંથી નીકળતા ધુમાડામાં કાર્બન મોનોક્સાઈડ ગેસ નીકળતો હોય છે. આ ગેસ જીવલેણ હોય છે. કાર્બન મોનોક્સાઈડ ગેસ ઓક્સિજનને ખતમ કરી નાખે છે અને ત્યાર બાદ આ ઝેરી ગેસ ફેફસામાં જઈને ઘાતક થઈ જાય છે.
શરીરમાં ઓક્સિજન ઘટી જવાથી વ્યક્તિના મગજ સુધી પહોંચતો નથી
આ ગેસ થોડી જ વારમાં ઓક્સિજન સાથે ભળીને આખા શરીરમાં પહોંચી જાય છે. સતત ઓક્સિજન ઘટી જવાના કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ધીરે - ધીરે ગૂંગળાઈ જવાથી મોત થઈ જાય છે. શરીરમાં ઓક્સિજન ઘટી જવાથી વ્યક્તિના મગજને ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે અને ઉંઘમાં માણસને ખ્યાલ પણ નથી આવતો. આ રીતે તે બેભાન થઈ જાય છે અને એવી હાલતમાં વધારે સમય રહેવાથી વ્યક્તિનું ગૂંગળાઈ જવાથી મોત થાય છે.
તમારી જાણ માટે આ પ્રકારનો કિસ્સો ગત અઠવાડિયે દિલ્હીમાં બન્યો હતો, જેમા એક જ પરિવારના ચાર લોકો સહિત કુલ 6 લોકોના મોત થયા હતા. એટલે બંધ રુમમાં સગડી સળગાવીને સૂઈ જવું જીવલેણ બની શકે છે.