સતત ચાર દિવસ બેંકો બંધ રહેશે! વિવિધ માંગો મુદ્દે યુનિયનોની બે દિવસની હડતાળની જાહેરાત
Bank Strike : બેંક ખાતાધારકોને માર્ચમાં સતત ચાર દિવસ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે બેંક યુનિયનોએ હડતાળની જાહેરાત કરી છે. યુનિયનોએ સપ્તાહના પાંચ દિવસ કામકાજ અને તમામ કેડરમાં પર્યાપ્ત ભરતી સહિત વિવિધ માંગો મુદ્દે રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. નવ બેંકોના કર્મચારી સંઘોના સંયુક્ત સંગઠન યુનાઈટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ (UFBU)ની હડતાળના ઉદ્દેશ્યમાં જાહેર ક્ષેત્રની બેંકો (PSB)માં કર્મચારી-અધિકારી નિદેશકોની ભરતી કરવાની પણ માંગ છે.
24-25 માર્ચે બેંક હડતાળ
UFBU આજે (7 ફેબ્રુઆરી) સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ‘અમે યોગ્ય ચર્ચા-વિચારણા કર્યા બાદ 24 અને 25 માર્ચે સતત બે દિવસ હડતાલ સાથે આંદોલન કાર્યક્રમ યોજવાનો નિર્ણય લીધો છે. યુનિયનોએ કહ્યું છે કે, નાણાંકીય સેવા વિભાગે (DFS) પ્રદર્શનની સમીક્ષા કરવા તેમજ પ્રદર્શન આધારે પ્રોત્સાહન આપવાનો તાજેતરમાં જ નિર્દેશ આપ્યો છે, જેને પરત લેવામાં આવે. યુનિયનોએ કહ્યું કે, આવા નિર્દેશ નોકરીની સુરક્ષા માટે ખતરા સમાન છે અને કર્મચારીઓ વચ્ચે વિભાજન ઉભું કરે છે.
ગ્રેચ્યુઈટીની મર્યાદા વધારવાની પણ માંગ
યુએફબીયુએ આક્ષેપ કર્યો છે કે, નીતિ વિષયક બાબતોમાં જાહેર ક્ષેત્રની બેંકોના માઈક્રો-મેનેજમેન્ટ સંબંધિત DFS દ્વારા બોર્ડની સ્વાયત્તતા નબળી પડી છે, જેમાં ભારતીય બેંક સંઘ (IBA) પાસે બાકી રહેલા પ્રશ્નોના નિરાકરણની માંગ પણ કરવામાં આવી છે અને સરકારી કર્મચારીઓ માટેની યોજનાની તર્જ પર ગ્રેચ્યુઇટી એક્ટમાં સુધારો કરીને તેની મર્યાદા વધારીને રૂ.25 લાખ કરવામાં આવે અને આવકવેરામાંથી મુક્તિની પણ માંગ કરાઈ છે.
UFBU આ સંગઠનો સામેલ
યુએફબીયુના સભ્યોમાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC), નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઈઝ (NCBE), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) અને બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) નો સમાવેશ થાય છે.
માર્ચમાં બેંક સતત ચાર દિવસ રહેશે બંધ
બેંક યુનિયનોએ વિવિધ માંગોને લઈ 24 અને 25 માર્ચે બેંક હડતાળની જાહેરાત કરી છે. આ ઉપરાંત 22 માર્ચે ચોથો શનિવાર અને 23 માર્ચે રવિવાર આવે છે. આમ માર્ચમાં બે રજા અને બે દિવસની હડતાળના કારણે સતત ચાર દિવસ બેંક બંધ રહી શકે છે, જેના કારણે અનેક ખાતાધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.