રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વડાપ્રધાન મોદીને નુકસાન પહોંચાડશે: મણિશંકર અય્યર
22મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવશે
Ram temple ceremony: કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાનો ઈનકાર કરનારા 4 શંકરાચાર્યોના ઇનકારને ટાંકીને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 'વ્યક્તિગત રીતે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન' કરવાનો પ્રયાસ તેમને ભારે પડી શકે છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ એ પ્રતીત થવાની શરૂઆત છે કે 'વાસ્તવિક હિન્દુ' કોણ છે, જે 'હિંદુ ધર્મ' અને 'હિંદુત્વ' વચ્ચેનો તફાવત જાણે છે. કેરળ લિટરેચર ફેસ્ટિવલ (KLF) ની સાતમી આવૃત્તિમાં અય્યરે જણાવ્યું હતું કે વ્યક્તિગત રીતે કાર્યક્રમમાં હાજરી આપવા અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવાના મોદીના પ્રયાસને હિંદુ ધર્મના વડા મનાતા ચાર શંકરાચાર્યો દ્વારા સખત નારાજગીનો સામનો કરવો પડ્યો છે. આ બધું હવે બેકફાયર થશે. આ દાંવ તેમના પર ભારે પડવાનો છે.
ઉત્તરાખંડમાં જ્યોતિર મઠના વડા અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે ચાર શંકરાચાર્યમાંથી કોઈ પણ અયોધ્યામાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી નહીં આપે કારણ કે મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થાય તે પહેલા પવિત્રા સમારોહ યોજવામાં આવી રહ્યું છે જે 'શાસ્ત્રો વિરુદ્ધ' છે. અય્યરે કહ્યું કે હિંદુ ધર્મ એ ભારતમાં સૌથી જૂનો ધર્મ છે, જેને દેશના મોટાભાગના લોકો અનુસરે છે, જ્યારે હિંદુત્વ એ એક રાજકીય દર્શન છે જે હિંદુ બહુમતીવાદ સાથે સંકળાયેલ છે.