સંદેશ-ખાળીગામમાં મહિલાઓ ઉપર થતા અત્યાચારો પાક.માં હિન્દુ મહિલાઓ ઉપર થતા જુલ્મો જેવા છે : ભાજપ
- જ્યાં એક મહિલા મુ.મં. છે ત્યાં મહિલાઓ સૌથી વધુ અરક્ષિત છે
- ટીએમસી ગુંડાઓ, હિન્દુ મહિલાઓને 'શિકાર' બનાવે છે, તે પહેલા રેપ કર્યા પછી તેમનાં ઘરો પણ લૂંટી લે છે : ભાજપ સાંસદ ચેટર્જી
કોલકત્તા : સંદેશ-ખાળીગામમાં હિન્દુ મહિલાઓ ઉપર થતા અત્યાચારો અંગે ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ મમતા સરકાર ઉપર હુમલો કર્યો છે. તેઓએ કહ્યું : ટીએમસીના ગુંડાઓ હિન્દુ મહિલાઓને ટાર્ગેટ કરે છે અને તેમનું ઉત્પીડન કરે છે.
એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા તેઓએ કહ્યું, દેશમાં માત્ર એક જ મહિલા મુ.મં. છે અને તેમનાં જ રાજ્યમાં મહિલાઓ સૌથી વધુ અસુરક્ષિત છે.
તેઓએ વધુમાં કહ્યું : મમતાજી મહિલાઓએ આપને ૨૦૧૧માં મત આપ્યા હતા. કારણ કે તેઓ ડાબેરી સરકારમાં પોતાને અસુરક્ષિત માનતી હતી. પરંતુ તમે તેઓનો વિશ્વાસઘાત કર્યો છે.
લોકેટ ચેટર્જીએ વધુમાં કહ્યું : સમગ્ર દેશ જાણે છે કે, સંદેશ-ખાળીમાં શું થયું ? એક મહિલા મુખ્યમંત્રી હોવા છતાં તે રાજ્યમાં મહિલાઓ ઉપર અત્યાચારો થાય છે છતાં તમો ચૂપ છો. તેઓનું યૌન શોષણ થાય છે, પછી તેઓના ઘર લૂંટવામાં આવે છે. મહિલાઓએ અવાજ ઉઠાવ્યો તો ફરી તેમની ઉપર અત્યાચારો થયા. મમતા બેનર્જીએ હજી સુધી તે અંગે કોઇ નિવેદન કર્યું નથી. આ અત્યાચારોનો મુખ્યકર્તા શાહજહાં શેખ હજી સુધી પકડાયો નથી.
મમતાએ તે કહ્યું છે કે હજી સુધી તે અંગે કોઇ એફઆઈઆર રજૂ થઈ નથી, તેથી પોલીસ તેને પકડી શકે તેમ નથી. પરંતુ વાસ્તવમાં પોલીસ પ્રશાસન જ ટીએમસીનું કાર્યાલય બની રહ્યું છે. તેથી કેસ નોંધ્યો નથી. નોંધાતા પણ નથી.
ચેટર્જીએ કહ્યું તે લોકો ૩૦ ટકા વોટ માગે છે. તેથી હિન્દુ મહિલાને શિકાર બનાવે છે અને તેમનું ઉત્પીડન કરે છે. આવા અત્યાચારો તો પાકિસ્તાનમાં થાય છે તેમ આપણે સાંભળીએ છીએ. આવી ઘટનાઓ હવે પ.બંગાળમાં બની રહી છે, પરંતુ મમતા બેનર્જી ચૂપ હતાં અને હવે કહી રહ્યા છે કે તે પાછળ આરએસએસનો હાથ છે. તેઓએ વીરભૂમમાં થયેલી આવી ઘટના અંગે કહ્યું હતું કે તેવી ઘટના તો કરાવવામાં આવી હતી પહેલા ઇડી પહોંચી પછી તેન દોસ્ત-ભાજપા પહોંચી ગઈ. પછી મિડીયા પહોંચ્યું અને તલનો તાડ બનાવી દીધો.
બેનર્જીએ વધુમાં કહ્યું, તે લોકો તો શાંતિનો ભંગ કરવાની કોશીશ કરી રહ્યા છે.
મમતાએ વધુમાં કહ્યું હતું કે, તે અધિકારીઓને મોકલશે અને માહિતી મેળવશે કે સંદેશ-ખાળીમાં શું થયું હતું. તે ઉપરાંત આરોપીઓ અંગે પણ તપાસ થશે.
હકીકત તે છે કે સંદેશ-ખાળી ગામની મહિલાઓનો આક્ષેપ છે કે ટીએમસીના નેતા શાહજહા શેખ અને તેના ગુંડાઓએ તેમનું યૌન-શોષણ કર્યું હતું. તે ઉપરાંત શાહજહા શેખ અને તેના ગુંડાઓએ ઇડી ટીમ ઉપર પણ હુમલો કર્યો હતો, તે પછીથી શાહજહા શેખ ફરાર થઇ ગયો છે, તેની ઉપર રેશન-ગોટાળા અંગે તપાસ ચાલી રહી છે.
નિરિક્ષકોનું એમ પણ માનવું છે કે, પશ્ચિમ બંગાળની અસામાન્ય પરિસ્થિતિ જોતા રાષ્ટ્રપતિ શાસન પણ આવી શકે.