બંગાળમાં મહિલાઓ પર અત્યાચાર, રેપનો સીલસીલો : લોકોમાં આક્રોશ
સગીરા પર બળાત્કાર પછી ઉત્તર 24 પરગણામાં આરએએફ-પોલીસ તૈનાત
બીરભૂમમાં સરકારી હોસ્પિટલમાં દર્દીએ નર્સની જ્યારે હાવરામાં લેબ ટેકનિશિયને સગીરાની છેડતી કરતાં હોબાળો
કોલકાતા: કોલકાતામાં ટ્રેઈની ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મુદ્દે પશ્ચિમ બંગાળ સળગેલું છે. આ મુદ્દે સમગ્ર ભારતમાં દેખાવો થઈ રહ્યા છે. આવા સમયે પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં એક સગીરા પર બળાત્કારની ઘટના સામે આવતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયેલો છે. આ ઘટના પછી આરોપી વિરુદ્ધ દેખાવો કરી રહેલા ટોળાએ તેના ઘર અને તેના સંબંધીની દુકાનમાં તોડફોડ કરી હતી. બીજીબાજુ બીરભૂમ જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં ફરજ પરની નર્સની એક દર્દીએ છેડતી કરતાં તેની ધરપકડ કરી લેવાઈ છે. આ સિવાય હાવરા જિલ્લામાં પણ લેબ ટેકનિશિયને ૧૨ વર્ષની સગીરાની છેડતી કરતાં લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
કોલકાતામાં આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા મુદ્દે લોકોનો રોષ હજુ શાંત નથી થયો ત્યાં પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણાં જિલ્લામાં એક સગીરા પર બળાત્કારની ઘટના સામે આવતાં લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ઘટના પછી ઉત્તર ૨૪ પરગણાંમાં દેખાવો કરી રહેલા ટોળાએ મધ્યમગ્રામમાં પંચાયતના સભ્ય અને કથિત આરોપીના ઘર અને તેના સંબંધીની દુકાનમાં તોડફોડ કરી હતી.
મીડિયા અહેવાલ મુજબ તૃણમૂલ કોંગ્રેસના નેતાએ પીડિત પરિવારને આ ઘટનામાં 'સમજૂતી' કરી લેવાનું કહેતાં લોકો ગુસ્સે થઈ ગયા હતા. આ સમયે પીડિત સગીરાના પિતાએ કહ્યું કે, આરોપી અમારા ગામનો જ રહેવાસી છે. હું વિચારી પણ નથી શકતો કે તે આવું કંઈક કરી શકે છે. તેમણે કહ્યું કે, મારી ૧૦ વર્ષની દીકરી ઘરેથી દુકાન આવી રહી હતી. તે સમયે તેણે તેની સાથે મારપીટ કરી હતી. હું તેના માટે આકરી સજાની માગ કરું છું.
પોલીસે આ ઘટનામાં તાત્કાલિક પગલાં લેતા આરોપી યુવકની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, રોહંડા પંચાયતના રાજવાડી વિસ્તારમાં પંચાયતના સભ્યે શનિવારે રાતે કથિત રીતે સગીરા પર બળાત્કાર કર્યો હતો. આ ઘટના સામે આવતાં સ્થાનિક લોકોએ કથિત આરોપીના ઘર સામે દેખાવો શરૂ કર્યા હતા. બીજીબાજુ આ ઘટનામાં તૃણમૂલના નેતાએ કથિત રીતે હસ્તક્ષેપ કરી સમાધાન કરવાનું કહેતા લોકોનો ગુસ્સો ભડકી ઉઠયો હતો. લોકોના ઉગ્ર દેખાવોના પગલે વિસ્તારમાં પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરાઈ હતી અને લોકોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા.
બીજીબાજુ બીરભૂમમાં એક સરકારી હોસ્પિટલમાં એક નર્સ સાંજે ૮.૩૦ કલાકે દર્દીને ડ્રિપ ચઢાવતી હતી તે સમયે દર્દીએ તેની છેડતી કરી હતી. પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી. આરોપી અબ્બાસ ઉદ્દીનને ખૂબ જ તાવ આવતા સ્ટ્રેચર પર હોસ્પિટલ લવાયો હતો. નર્સે આરોપ મૂક્યો છે કે તે દર્દીને ડ્રિપ ચઢાવતી હતી ત્યારે દર્દીએ તેને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનાની પોલીસને જાણ કરાતા ઈલમબજાર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવાઈ છે અને તપાસ શરૂ કરાઈ છે.
પશ્ચિમ બંગાળના હાવરા જિલ્લામાં ગયા સપ્તાહે એક સરકારી હોસ્પિટલમાં સગીરાની છેડતી કરવા બદલ એક લેબ ટેકનિશિયનની ધરપકડ કરાઈ છે. ગયા સપ્તાહે એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયેલી સગીરા સાથે દુર્વ્યવહારની ઘટના થઈ હોવાનું પરિવારે જણાવ્યું હતું.