દિલ્હીમાં દિવાળી પહેલાં આતિશીબાજી .
- અંતે અરવિંદ કેજરીવાલનું રાજીનામું, આતિશી દિલ્હીનાં સૌથી યુવા મહિલા સીએમ બનશે
- આતિશીએ સરકાર બનાવવા દાવો રજૂ કર્યો, કેજરીવાલને ફરી સીએમ બનાવવા અને દિલ્હીની જનતાને ભાજપનાં કાવતરાંથી બચાવવી એ જ લક્ષ્ય : આપ
- અરવિંદ કેજરીવાલના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી તરીકે કામ કરીશ, પક્ષના સભ્યો મને અભિનંદન ના આપે : આતિશી
નવી દિલ્હી : દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડમાં સંડોવણીના આરોપોનો સામનો કરનારા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે અંતે મંગળવારે સાંજે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ વિધાનસભા દળના નેતા ચૂંટાયેલા આતિશીએ ઉપરાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કરી દીધો છે. હવે ઉપરાજ્યપાલને આતિશીનાં શપથગ્રહણની તારીખ નિશ્ચિત કરવાની માગણી કરાઈ છે. આ સાથે ૪૩ વર્ષીય આતિશી દિલ્હીમાં ત્રીજા મહિલા મુખ્યમંત્રી બની જશે.
દિલ્હીમાં પાંચ મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવાના અરવિંદ કેજરીવાલના પગલાંને ખૂબ જ સાહસિક રાજકીય વ્યૂહ માનવામાં આવે છે. નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા પછી આતિશીએ કહ્યું હતું કે, આગામી કેટલાક મહિના માટે તેમનું લક્ષ્ય અરવિંદ કેજરીવાલને પાછા મુખ્યમંત્રી બનાવવાનું અને દિલ્હીની જનતાનું ભાજપના કાવતરાંઓથી રક્ષણ કરવાનું રહેશે. આતિશીએ અરવિંદ કેજરીવાલના રાજીનામાને દુનિયાના લોકતાંત્રિક ઈતિહાસનો સૌથી મોટો નિર્ણય ગણાવ્યો હતો. ભાજપનાં સુષ્મા સ્વરાજ અને કોંગ્રેસના શિલા દીક્ષિત પછી આતિશી દિલ્હીનાં ત્રીજાં મુખ્યમંત્રી બનશે.
જોકે, આપ વિધાનસભા દળમાં મુખ્યમંત્રી તરીકે આતિશીની પસંદગીથી પક્ષ પર અરવિંદ કેજરીવાલની પક્કડ મજબૂત રહી છે તે પુરવાર થયું છે. વધુમાં કેજરીવાલ મુખ્યમંત્રીની જવાબદારીમાંથી છૂટયા હોવાથી હવે તેમને એજન્ડા સેટ કરવા માટે અવકાશ મળશે.
આ પહેલાં કથિત દારૂ કૌભાંડના આરોપો હેઠળ તિહાર જેલમાંથી ગયા સપ્તાહે જામીન પર બહાર આવેલા અરવિંદ કેજરીવાલ મંગળવારે સાંજે ઉપરાજ્યપાલ વિજય સક્સેનાને મળ્યા હતા અને તેમનું રાજીનામું આપ્યું હતું. નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરતા પહેલાં અરવિંદ કેજરીવાલે સોમવારે ધારાસભ્યો સાથે વન-ટુ-વન બેઠક કરી હતી. ત્યાર પછી મંગળવારે સવારે વિધાનસભા દળની બેઠક મળી હતી. આ બેઠકમાં અરવિંદ કેજરીવાલે જ તેમના અનુગામી તરીકે આતિશીનું નામ રજૂ કર્યું હતું, જેને બધાએ સર્વાનુમતે વધાવી લીધું હતું.
નવનિયુક્ત મુખ્યમંત્રી આતિશીએ પક્ષના ધારાસભ્યો અને કાર્યકરોને તેમને મુખ્યમંત્રી બનવાના અભિનંદન નહીં આપવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, મારા માટે આ દુ:ખનો સમય છે. કારણ કે દિલ્હીના લોકપ્રિય મુખ્યમંત્રીએ રાજીનામું આપવું પડયું છે. ભાજપે અમારા મુખ્યમંત્રી પર ખોટા આરોપ લગાવ્યા હતા. બધી જ એજન્સીઓ તેમની પાછળ લગાવી દીધી હતી.
દિલ્હી સરકારમાં ૧૪ મંત્રાલયો સંભાળતાં આતિશી ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં પહેલી વખત ધારાસભ્ય અને ૨૦૨૩માં પહેલી વખત કેજરીવાલ સરકારમાં મંત્રી બન્યાં હતાં. હવે ૨૦૨૪માં તેઓ મુખ્યમંત્રી બની ગયાં છે. આ પહેલાં ૨૦૧૯માં આતિશી લોકસભા ચૂંટણી લડયાં હતાં, પરંતુ ગૌતમ ગંભીર સામે હારી ગયાં હતાં.
હવે ઉપરાજ્યપાલ વીકે સક્સેના કેજરીવાલનો રાજીનામાનો પત્ર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મોકલશે અને આતિશીનો નવી સરકારની રચના માટેનો પત્ર પણ રાષ્ટ્રપતિને મોકલાશે. કેજરીવાલનું રાજીનામું સ્વીકારી લેવાય પછી આતિશીને સરકાર રચવા માટે બોલાવાશે અને શપથ ગ્રહણ માટે તારીખ નિશ્ચિત થશે. નવા મુખ્યમંત્રીએ ગૃહમાં બહુમતી સાબિત કરવાની રહેશે. કેજરીવાલ જેલમાં હતા ત્યારે દિલ્હી સરકારમાં નાણાં, શિક્ષણ અને મહેસૂલ સહિત ૧૪ પોર્ટફોલિયો ધરાવતાં આતિશીએ લડત ચાલુ રાખી હતી.
દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિશીની પસંદગી થયા પછી મંગળવારે ભાજપે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીનો ચહેરો બદલવાથી આપનું કેરેક્ટર નહીં બદલાય. કેજરીવાલના નેતૃત્વમાં પક્ષે હજુ પણ દિલ્હીમાં તેના શાસનમાં ૧૦ વર્ષના ભ્રષ્ટાચારનો જવાબ આપવો પડશે. દિલ્હી ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ જણાવ્યું હતું કે, કેજરીવાલના ૧૦ વર્ષના ભ્રષ્ટ શાનને લોકો ભૂલ્યા નથી.