Get The App

આપ નેતા આતિશીને કોર્ટે મોકલ્યું સમન્સ, 29 જૂને હાજર થવાનો આદેશ, જાણો સમગ્ર મામલો

Updated: May 28th, 2024


Google NewsGoogle News
આપ નેતા આતિશીને કોર્ટે મોકલ્યું સમન્સ, 29 જૂને હાજર થવાનો આદેશ, જાણો સમગ્ર મામલો 1 - image


Atishi Marlena Court Summons : દિલ્હીની એક કોર્ટે દિલ્હી ભાજપના મીડિયા પ્રમુખ પ્રવીણ શંકર કપૂર દ્વારા દાખલ કરાયેલા માનહાનીના કેસમાં દિલ્હીના મંત્રી અને આપ નેતા આતિશી માર્લેનાને સમન્સ પાઠવ્યું છે. આતિશીને 29 જૂને કોર્ટમાં હાજર થવાનો આદેશ અપાયો છે. ઉલ્લેખનીય છે કે, આતિશીએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ (BJP) આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના ધારાસભ્યોને લાંચ આપવાનો અને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારબાદ દિલ્હી ભાજપના મીડિયા પ્રમુખે તેમના વિરુદ્ધ કોર્ટમાં માનહાનીનો કેસ કર્યો હતો.

માનહાનીના કેસમાં કેજરીવાલનું પણ નામ

દિલ્હી ભાજપના મીડિયા પ્રમુખે માનહાનીના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal)નું પણ નામ આપ્યું હતું. ભાજપ નેતાએ દાવો કર્યો કે, આવા આક્ષેપોના કારણે અમારી પાર્ટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. કોર્ટે તેમના આક્ષેપોની નોંધ લઈ આતિશીને આરોપી તરીકે ચિન્હિત કરી તેમને 29 જૂને હાજર થવા આદેશ આપ્યો છે.

AAPના આક્ષેપ બાદ ભાજપ કોર્ટ પહોંચી હતી

ભાજપ નેતાએ 30 એપ્રિલે દાખલ કરેલા માનહાનીનો કેસમાં આક્ષેપ કરાયો હતો કે, આપ નેતા પોતાના ખોટા દાવા સાબિત કરવા માટે કોઈપણ પુરાવા આપી શક્યા નથી. અરજીમાં કેજરીવાલના એક સોશિયલ મીડિયા પોસ્ટનો પણ ઉલ્લેખ કરાયો છે. આ પોસ્ટમાં AAP વડાએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપે સાત આપ ધારાસભ્યોનો સંપર્ક કર્યો હતો અને પક્ષ પલટો કરવા માટે 25 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. અરજીમાં આતિશીના દાવાનો ઉલ્લેખ કરી જણાવાયું છે કે, તેમણે પોતાની રાજકીય કેરીયરને બચાવવા માટે ભાજપમાં સામેલ થવાનો પ્રસ્તાવ મળ્યો હતો. આ ઉપરાંત આતિશી દ્વારા કહેવાયું હતું કે, જો તેઓ ભાજપમાં સામેલ નહીં થાય તો ઈડી દ્વારા તેમની ધરપકડ કરાશે.

ભાજપે મારો સંપર્ક કર્યો : આતિશીનો દાવો

આતિશીએ એપ્રિલમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું હતું કે, ‘ભાજપે પોતાના નજીકના વ્યક્તિ દ્વારા મારો સંપર્ક કર્યો છે. તેમણે મને ભાજપમાં જોડાવા કહ્યું છે અને એમ પણ કહ્યું કે, આમ કરવાથી મારું રાજકીય કેરિયર બચી જશે. તેમણે ધમકી આપી છે કે, જો હું ભાજપમાં સામેલ નહીં થાય તો ઈડી એક મહિનાની અંદર મારી ધરપકડ કરશે.’


Google NewsGoogle News