દિલ્હીના નવા CM આતિશીનો 21 સપ્ટેમ્બરે શપથ ગ્રહણ સમારોહ, પાંચ કેબિનેટ મંત્રી પણ લેશે શપથ
Delhi New CM Oath Date : આમ આદમી પાર્ટીના નેતા આતિશી માર્લેના 21 સપ્ટેમ્બરે સાંજે 4.30 કલાકે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે પાંચ કેબિનેટ મંત્રી પણ શપથ લેશે. અરવિંદ કેજરીવાલે મંગળવારે સાંજે ઉપરાજ્ય પાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું અને આતિશીએ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આ પહેલા આતિશી અને મંત્રીઓને ઉપરાજ્યપાલની ઓફિસથી શપથગ્રહણ સમારોહની તારીખ ન મળતા અસમંજસની સ્થિતિ ઉભી થઈ હતી.
સમારોહની તારીખ જાહેર કરવામાં વિલંબ કેમ થયો ?
વાસ્તવમાં કોઈપણ મુખ્યમંત્રી રાજીનામું આપે તો તેમની ફાઈલ પહેલા રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ તે ફાઈલ ઉપરાજ્યપાલની ઓફિસમાં મોકલવામાં આવે છે. કેજરીવાલના રાજીનામાવાળી ફાઈલ ઉપરાજ્યપાલની ઓફિસ સુધી પહોંચી ન હતી, તેના કારણે તારીખ જાહેર કરવામાં વિલંબ થયો હતો.
આતિષીની સાથે આ નેતાઓ પણ લેશે શપથ
આતિશીની સાથે કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે. જેમાં ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ અને ઈમરાન હુસૈનના નામ સામેલ છે. નવા કેબિનેટમાં નવા ચહેરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સુલતાનપુર મજરાથી આપના ધારાસભ્ય મુકેશ અહલાવત પણ તેમાં સામેલ થશે. દિલ્હી સરકારમાં સીએમ સહિત કુલ છ મંત્રી છે. હવે સીએમની સાથે પાંચ મંત્રીઓ શપથ લેશે.
કેજરીવાલે મંગળવારે આપ્યું હતું રાજીનામું
આ પહેલા અરવિંદ કેજરીવાલે મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપતા પહેલા આતિશીને પોતાના અનુગામી તરીકે પસંદ કર્યા હતા. મંગળવારે રાજનિવાસ પહોંચેલા આતિશીએ નવી સરકાર બનાવવાનો દાવો પણ કર્યો હતો. લેટનન્ટ ગવર્નરે બુધવારે બંને પ્રસ્તાવોને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલી દીધા હતા. આમાં એલજીએ રાષ્ટ્રપતિને 21 સપ્ટેમ્બરે આતિશીને શપથ લેવડાવવાનો પ્રસ્તાવ પણ આપ્યો હતો. આ ફાઇલ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પણ મોકલવામાં આવી હતી.
આતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી બનશે
આતિશી માર્લેના દિલ્હીના ત્રીજી મહિલા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. આ પહેલા દિવંગત શીલા દીક્ષિત અને દિવંગત સુષ્મા સ્વરાજ મુખ્યમંત્રી પદ પર રહી ચૂક્યા છે. કેજરીવાલે દિલ્હી સરકારમાં ઘણા વિભાગો સંભાળી ચૂકેલા આતિશીનું નામ પાર્ટી સમક્ષ મૂક્યું અને બધા તેની સાથે સંમત થયા હતા.