AAPની હાર પછી આતિશીએ દિલ્હીના મુખ્યમંત્રીનું પદ છોડ્યું, LGને સોંપ્યું રાજીનામું
CM Atishi Resign: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં આમ આદમી પાર્ટીની કારમી હાર બાદ સીએમ આતિશીએ આજે પોતાનું રાજીનામું સુપરત કર્યું. મળતી માહિતી મુજબ, દિલ્હીના સીએમ આતિશી આજે સવારે 11 વાગે રાજ નિવાસ પહોંચ્યા અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પોતાનું રાજીનામું આપ્યું હતું.
ભાજપે દિલ્હીમાં સંપૂર્ણ બહુમત મેળવી
આતિશીએ ગત સપ્ટેમ્બરમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ લગભગ ચાર મહિનાથી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા છે. એક સમયે 70માંથી 67 બેઠકો અને 62 જેટલી બેઠકો જીતનારી AAP પાર્ટી આ વખતે 22 બેઠકો સુધી મર્યાદિત રહી છે.
કેજરીવાલ-સિસોદિયા અને સૌરભ ભારદ્વાજ પણ હાર્યા
નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને ભાજપના પરવેશ વર્માએ 4089 મતોથી હરાવ્યા હતા. જંગપુરા વિધાનસભા બેઠક પર મનીષ સિસોદિયા ભાજપના તરવિંદર સિંહ મારવાહ સામે માત્ર 675 મતોથી હારી ગયા હતા, જ્યારે મંત્રી સૌરભ ભારદ્વાજને ગ્રેટર કૈલાશમાં બીજેપીના શિખા રોય દ્વારા 3188 મતોથી પરાજય આપ્યો હતો.