Get The App

દિલ્હીમાં હાઇવૉલ્ટેજ ડ્રામા: ભાજપ નેતાની કારમાં બેસી ગયા CM આતિશી, આપ ધારાસભ્યોએ પગ પકડી લીધા

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
દિલ્હીમાં હાઇવૉલ્ટેજ ડ્રામા: ભાજપ નેતાની કારમાં બેસી ગયા CM આતિશી, આપ ધારાસભ્યોએ પગ પકડી લીધા 1 - image

Delhi CM Atishi, Reinstatement Of Marshals : દિલ્હીમાં જાહેર પરિવહનની બસોમાં બસ માર્શલોની ફરીથી નિમણૂક કરવાના મુદ્દે શનિવારે હાઇવોલ્ટેજ ડ્રામા થયો હતો. દિલ્હીના મુખ્યમંત્રી આતિશી આપ અને ભાજપના ધારાસભ્યો સાથે બસ માર્શલોની નિમણૂકને લઈને કેબિનેટ નોટ રજૂ કરવા અને તેના પર મંજૂરી મેળવવા માટે લેફ્ટનન્ટ ગવર્નર(એલજી) વીકે સક્સેનાના કાર્યાલય પહોંચી હતી. આપ(આમ આદમી પાર્ટી)એ આરોપ લગાવ્યો હતો કે, કેબિનેટ નોટ પાસ થયા બાદ ભાજપના ધારાસભ્યો સચિવાલયમાંથી ભાગવા લાગ્યા હતા. પરંતુ મંત્રી સૌરભ ભારદ્વાજે તેમના પગ પકડીને રોક્યા હતા.

મંત્રી સૌરભ ભારદ્વાજે ભાજપના ધારાસભ્યોના પગ પકડ્યા 

આપનું કહેવું છે કે, ભાજપના ધારાસભ્યો સચિવાલયમાંથી ભાગવા માંડ્યા હતા. પરંતુ મંત્રી સૌરભ ભારદ્વાજે તેમના પગ પકડીને રોક્યા હતા. બસ માર્શલની ફરી નિમણૂક કરવા માટે ભાજપના ધારાસભ્યોની સામે કેબિનેટ નોટ પસાર કર્યા પછી સીએમ આતિશી અને આપના મંત્રીઓ અને ધારાસભ્યો એ નોટને લઈને એલજી પાસે ગયા હતા. આ દરમિયાન ભાજપના ધારાસભ્યોએ ભાગવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ મંત્રી સૌરભ ભારદ્વાજ અને આપ નેતાઓએ તેમને ભાગવા દીધા ન હતા. આ સાથે સીએમ આતિશી ભાજપના ધારાસભ્યોને ભાગવાની તક ન મળે તે માટે તેઓ ભાજપના ધારાસભ્યની કારમાં એલજી હાઉસ ગયા હતા.

આમ આદમી પાર્ટી નૌટંકી કરી રહી છે

સમગ્ર ઘટના બાદ સૌરભ ભારદ્વાજ સાથે આપ ધારાસભ્યો અને બસ માર્શલોને રાજ નિવાસ રોડ પરથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે વિસ્તારને ખાલી કરાવ્યો હતો. તો બીજી તરફ દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે આમ આદમી પાર્ટી નૌટંકી કરી રહી છે. આપના આ ડ્રામા પહેલા અમે માર્શલના મુદ્દાને લઈને એલજીને મળી ચૂક્યા હતા.'

ભાજપની પોલ ખુલ્લી પડી ગઈ

દિલ્હીના સીએમ આતિશીએ કહ્યું છે કે, 'ગઈકાલે ભાજપના ધારાસભ્યોએ મારી પાસે મુલાકાત માટેનો સમય માંગ્યો હતો, અમે તેમને મળ્યા અને તેમને આ મુદ્દા વિશે સમજાવ્યું કે, આ મુદ્દો એલજી હેઠળ સેવાની બાબતોની અંતર્ગત આવે છે. પરંતુ આજે ભાજપની પોલ ખુલ્લી પડી ગઈ છે. કારણ કે અમારી આખી કેબિનેટ ત્યાં હતી. ભાજપે એલજીને તેમના અધિકારક્ષેત્રમાં આવતી બાબતો અંગે નિર્ણય લેવાનું કહેવું જોઈએ. પરંતુ ભાજપ આ માટે તૈયાર નથી, તેઓ આ મુદ્દે રાજનીતિ કરી રહ્યા છે.'

આ માર્શલો સાથે વિશ્વાસઘાત

બસ માર્શલના મુદ્દાને લઈને આતિશીએ વધુમાં કહ્યું કે, 'અમે ઇમરજન્સી કેબિનેટ મીટિંગ બોલાવી હતી. જેમાં અમે બસ માર્શલને નિયમિત કરવા માટે દિલ્હી વિધાનસભા દ્વારા પસાર કરાયેલા ઠરાવ પર હસ્તાક્ષર કર્યા હતા. એલજી હાઉસ આવ્યા પછી પણ ભાજપના ધારાસભ્યો એલજીને તે કેબિનેટ નોટ પસાર કરવા માટે કહેવા તૈયાર ન હતા. આ માર્શલો સાથે વિશ્વાસઘાત છે. કેબિનેટ દ્વારા બસ માર્શલ અને નાગરિક સંરક્ષણ સ્વયંસેવકોને નિયમિત કરવાનું કામ હતું. જે થઈ ગયું છે. હવે ભાજપે તેમને નિયમિત કરી અને તેમને જોઇનિંગ લેટર ફાળવવાના છે.'

મને મારા મંત્રીઓ પર ગર્વ- અરવિંદ કેજરીવાલ

આ દરમિયાન દિલ્હીના પૂર્વ સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'મને મારા મંત્રીઓ પર ગર્વ છે. કે જે લોકોના કામ કરાવવા માટે કોઈના પણ પગ પકડી લે છે. હું એલજી સાહેબ અને ભાજપના લોકોને વિનંતી કરું છું કે તેઓ આ મુદ્દે વધુ રાજકારણ ન કરે અને તાત્કાલિક બસ માર્શલોને નોકરી પર રાખે.'

જાહેર પરિવહન બસોમાં માર્શલ તરીકે તહેનાત 10,000થી વધુ નાગરિક સંરક્ષણ સ્વયંસેવકોને ગત વર્ષે હટાવી દેવાયા હતા. કારણ કે નાગરિક સંરક્ષણ નિર્દેશાલયે વાંધો ઉઠાવ્યો હતો કે આ સ્વયંસેવકોને આપત્તિ વ્યવસ્થાપનની ફરજ માટે તહેનાત કરવામાં આવ્યા છે.

દિલ્હીમાં હાઇવૉલ્ટેજ ડ્રામા: ભાજપ નેતાની કારમાં બેસી ગયા CM આતિશી, આપ ધારાસભ્યોએ પગ પકડી લીધા 2 - image


Google NewsGoogle News