CAG રિપોર્ટમાં AAP સરકારની લીકર પોલિસીના વખાણ, યોજના રદ કરતાં થયું 2000 કરોડનું નુકસાન: આતિશી
Atishi On CAG Report: દિલ્હી વિધાનસભા સેશનના બીજા દિવસે સદનની કાર્યવાહી વિપક્ષના હોબાળા વચ્ચે ઉપરાજ્યપાલ વીકે સક્સેનાના સંબોધન સાથે થઈ હતી. ત્યારબાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ 14 પેન્ડિંગ CAG રિપોર્ટમાંથી બે રિપોર્ટ આજે રજૂ કર્યા હતા. આ બે રિપોર્ટમાં લીકર પોલિસી અને શીશમહેલના નામે થયેલી ગેરરીતિઓની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં લીકર પોલિસીમાં ફેરફારોથી સરકારને રૂ. 2000 કરોડનું નુકસાન થયુ હોવાનો દાવો કરાયો છે. જેનો જવાબ આપતાં પૂર્વ મુખ્યમંત્રીએ ખુલાસો કર્યો છે કે, પોલિસીમાં ફેરફારથી નહીં પણ પોલિસી અમલ ન થતાં સરકારને નુકસાન થયુ છે.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAP નેતા આતિશીએ નવી એક્સાઈઝ પોલિસીનો બચાવ કર્યો હતો. આ પોલિસી અમલમાં મુકાતાં તેમાં ગેરરીતિઓ થઈ હોવાના અહેવાલો આવ્યા હતાં. જેથી પૂર્વ સરકારે તેને પાછી ખેંચી હતી. જેના પર આતિશીએ જણાવ્યું કે, 2017થી 2021 સુધીનો એક્સાઈઝ ઓડિટ રિપોર્ટ ગૃહમાં રજૂ થયો હતો. જેમાં જૂની લીકર પોલિસીની ખામીઓ રજૂ કરી હતી. અમે જૂની એક્સાઈઝ પોલિસીમાં ગેરરીતિનો પર્દાફાશ કર્યો હતો. દિલ્હીમાં યુપી, હરિયાણામાંથી દારૂની તસ્કરી થઈ રહી હતી. નવી લીકર પોલિસીએ આ કાલાબજારી પર રોક મૂકી અને દિલ્હી સરકારની આવકમાં થઈ રહેલી ખોટ અટકાવી.
આ પણ વાંચોઃ દિલ્હી વિધાનસભામાં CAGના બે રિપોર્ટ રજૂ, AAPના 21 ધારાસભ્યો ત્રણ દિવસ માટે સસ્પેન્ડ
નવી એક્સાઈઝ પોલિસી લાગુ ન કરતાં થયુ નુકસાનઃ આતિશી
આતિશીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે CAGના રિપોર્ટના આઠમાં ચેપ્ટરમાં જણાવ્યું છે કે, નવી નીતિ પારદર્શક હતી, તેમાં બ્લેક માર્કેટિંગ રોકવાની જોગવાઈઓ સામેલ કરવામાં આવી હતી અને તેનાથી આવકમાં વધારો થવો જોઈતો હતો. જ્યારે આ જ નીતિ પંજાબમાં લાગુ કરવામાં આવી ત્યારે ત્યાં પણ એક્સાઇઝની આવક વધી. આ નીતિના કારણે 2021થી 2025 સુધીમાં પંજાબની એક્સાઇઝ રેવન્યુમાં 65 ટકાનો વધારો થયો છે. જો નવી નીતિ યોગ્ય રીતે લાગુ કરવામાં આવી હોત તો માત્ર એક વર્ષમાં આવક રૂ. 4,108 કરોડથી વધીને રૂ. 8,911 કરોડ થઈ હોત.
નવી એક્સાઈઝ પોલિસી લાગુ ન કરતાં દિલ્હીની આવકમાં રૂ. 2000 કરોડનું નુકસાન થયું છે. તેનો અમલ ન કરવા પાછળ ત્રણ લોકો જવાબદાર છેઃ દિલ્હીના LG, CBI અને ED... આ પોલિસી સ્પષ્ટ કરે છે કે AAP સરકારે જૂની પોલિસીને હટાવીને યોગ્ય નિર્ણય લીધો હતો. અમારી માંગ છે કે, CAG રિપોર્ટના આધારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર, CBI અને ED દ્વારા તપાસ કરવામાં આવે, FIR નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવે.