મને ભાજપમાં જોડાવાની ઓફર કરવામાં આવી, વધુ 4 નેતાઓની ધરપકડ થશે, દિલ્હીના મંત્રીનો મોટો દાવો
Delhi Excise Policy Case: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડીને 15 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. મુખ્યમંત્રી કેજરીવાલને હવે તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે આજે દિલ્હીના મંત્રી અને AAP નેતા આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે ઘણા સ્ફોટક ખુલાસા કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ભાજપે તેમને ઓફર આપી છે.
મને ભાજપમાં જોડાવાની ઓફર કરવામાં આવી : આતિશી
દિલ્હી સરકારના મંત્રી આતિશીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે 'મને મારા નજીકના વ્યક્તિ દ્વારા ભાજપમાં જોડાવાની ઓફર કરવામાં આવી હતી.' તેમણે વધુમાં કહ્યું કે 'આગામી થોડા દિવસોમાં વધુ કેટલાક AAP નેતાઓની ધરપકડ કરવામાં આવશે. વડાપ્રધાન અને ભાજપે તેમનું મન બનાવી લીધું છે કે તેઓ આમ આદમી પાર્ટી અને તેના તમામ નેતાઓને ખતમ કરવા માંગે છે. આગામી થોડા દિવસોમાં આમ આદમી પાર્ટીના ચાર નેતાઓ, હું, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢાને જેલમાં નાખવાની યોજના બનાવવામાં આવી રહી છે.'
કેજરીવાલે કહ્યું હતું કે વિજય નાયર મારા માણસ છે - ઈડી
દિલ્હી સરકારની મંત્રીએ કહ્યું કે 'આગામી દિવસોમાં મારા ઘરે અને મારા સંબંધીઓના સ્થળો પર દરોડા પડી શકે છે અને તે પછી ઈડી દ્વારા અમને નોટિસ મોકલવામાં આવશે અને બાદમાં ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે ભગત સિંહના શિષ્ય છીએ અને આ સરકારથી ડરતા નથી.' જો કે ઈડીના દાવા મુજબ, કેજરીવાલે વિજય નાયર વિશે કહ્યું હતું કે તે મારો માણસ છે, તેના પર વિશ્વાસ કરો. ઈડીએ દાવો કર્યો હતો કે આ સમગ્ર ષડયંત્ર વિજય નાયર અને અન્ય કેટલાક લોકોએ સાઉથ ગ્રૂપ સાથે મળીને આચર્યું હતું અને વિજય નાયર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તત્કાલીન ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા માટે કામ કરતો હતો.