10 દિવસ વીત્યા, પીએમ મોદીને તેમના કોઈ ધારાસભ્ય પર ભરોસો નથી : દિલ્હીના પૂર્વ CMનો કટાક્ષ
Delhi BJP CM Face Latest Update: દિલ્હીમાં ભાજપની પ્રચંડ જીત થઈ હોવા છતાં હજુ સુધી સીએમ પદનો ચહેરો જાહેર થયો નથી. જેના લીધે આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ભાજપને જ પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ ન હોવાનું મોટું વિવાદસ્પદ નિવેદન આપ્યું છે.
પીએમ મોદી પર આતિશીની ટીખળ
આતિશીએ જણાવ્યું કે, 'દિલ્હીની પ્રજાને આશા હતી કે આઠ ફેબ્રુઆરીએ ચૂંટણીના પરિણામો બાદ ભાજપ નવમી ફેબ્રુઆરીએ પોતાના મુખ્યમંત્રીની જાહેરાત કરશે અને શપથ ગ્રહણ સમારોહ પણ 10 ફેબ્રુઆરીએ યોજાશે, દિલ્હીની જનતા ઈચ્છતી હતી કે ભાજપ 11 ફેબ્રુઆરીથી કામગીરી સંભાળશે. પરંતુ સમય વીતિ રહ્યો છે અને ભાજપે હજુ સુધી પોતાના મુખ્યમંત્રીની પસંદગી પણ કરી નથી. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે, ભાજપ પાસે સીએમનો કોઈ ચહેરો નથી.'
આ પણ વાંચોઃ દિલ્હીમાં પરિણામના 10 દિવસ બાદ પણ CM પર સસ્પેન્સ: શપથવિધિની તારીખ નક્કી, 7 નામ રેસમાં
ભાજપ દિલ્હીની પ્રજાના પૈસા વેડફશેઃ આતિશી
આતિશીએ દાવો પણ કર્યો છે કે 'પીએમ મોદી ચૂંટાયેલા 48 ધારાસભ્યોમાંથી કોઈ પર પણ વિશ્વાસ કરતા નથી. તેઓ કોઈને પણ મુખ્યમંત્રી પદ માટે સક્ષમ માનતા નથી. ભાજપના 48 ધારાસભ્યો પાસે માત્ર એક જ કામ બાકી છે, તે બધા દિલ્હીની જનતાના પૈસા વેડફશે અને તેને લૂંટશે.' અગાઉ પણ આમ આદમી પાર્ટી ભાજપ પર આ જ પ્રકારના નિશાન સાધી ચૂકી છે. ઉલ્લેખનીય છે, ચૂંટણી પરિણામો બાદ ભાજપ નેતા જય પાંડાએ કહ્યું હતું કે 'દિલ્હીને 10 દિવસમાં નવા સીએમ મળશે.'
શપથ ગ્રહણ ક્યારે થશે?
મીડિયા સુત્રો અનુસાર, 19મી ફેબ્રુઆરીએ ધારાસભ્ય દળની બેઠક છે અને 20મી ફેબ્રુઆરીએ સાંજે 4.30 કલાકે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે. પાર્ટીએ હજુ તેની ઔપચારિક જાહેરાત કરી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે કાર્યક્રમ આ દિશામાં આગળ વધશે. સીએમની રેસમાં પરવેશ વર્મા સહિત અનેક દિગ્ગજ નેતાઓના નામ બોલાઈ રહ્યા છે. જેમાં મહિલાને સીએમ બનાવે તેવી અટકળો પણ વહેતી થઈ છે.