આતંકવાદી અફઝલને બચાવનારની પુત્રીને બનાવી દીધી CM, સ્વાતિ માલીવાલનો કેજરીવાલ પર કટાક્ષ
Image Source: X
Swati Maliwal On Atishi Marlena: દિલ્હીના નવા મુખ્યમંત્રી હવે આતિશી બનશે. આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. મુખ્યમંત્રીની હોડમાં તેમનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું. ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીના નામ પર મહોર લગાવવામાં આવી છે. હવે આતિશીને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવા પર રાજ્યસભા સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કટાક્ષ કર્યો છે. સ્વાતિ માલીવાલે આજના દિવસને દિલ્હીનો ખૂબ જ દુ:ખદ દિવસ ગણાવ્યો છે. આટલું જ નહીં તેમણે આતિશીને 'ડમી સીએમ' ગણાવ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, દિલ્હી માટે આજે ખૂબ જ દુ:ખદ દિવસ છે. આજે એક એવી મહિલાને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા જેમના પરિવારે આતંકવાદી અફઝલ ગુરુને ફાંસીથી બચાવવા માટે લાંબી લડાઈ લડી હતી. તેમના માતા-પિતાએ આતંકવાદી અફઝલ ગુરુને બચાવવા માટે રાષ્ટ્રપતિને દયા અરજી લખી હતી.
ભગવાન દિલ્હીની રક્ષા કરે
સ્વાતિ માલીવાલે આગળ લખ્યું કે, આતિશીના માતા-પિતાના મતે અફઝલ ગુરુ નિર્દોષ હતો અને તેને રાજકીય ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવ્યો હતો. આમ તો આતિશી માત્ર ‘Dummy CM’ જ છે, તેમ છતાં આ મુદ્દો દેશની સુરક્ષા સાથે જોડાયેલો છે. ભગવાન દિલ્હીની રક્ષા કરે.
વિભવ કાંડમાં આતિશીએ સ્વાતિ માલીવાલ પર લગાવ્યા હતા આરોપ
તમને જણાવી દઈએ કે, આતિશી અને સ્વાતિ માલીવાલ વચ્ચે વાક યુદ્ધનો આ પ્રથમ મામલો નથી. આ અગાઉ સ્વાતિ માલીવાલે જ્યારે સીએમ હાઉસમાં તેમના પૂર્વ પીએ વિભવ રાય પર મારપીટનો આરોપ લગાવ્યો હતો ત્યારે આતિશીએ સ્વાતિ પર પ્રહાર કર્યા હતા. ત્યારે આતિશીએ દાવો કર્યો હતો કે, સાંસદ સ્વાતિ માલીવાલ ગેરકાયદેસર ભરતી કેસમાં આરોપોનો સામનો કરી રહી છે. તેમના પર ધરપકડની તલવાર લટકી રહી હતી. આ કારણોસર ભારતીય જનતા પાર્ટીએ તેમને 'બ્લેકમેલ' કરી મુખ્યમંત્રી કેજરીવાલ વિરુદ્ધના ષડયંત્રનો ભાગ બનાવ્યા. આતિશીએ આરોપ લગાવ્યો હતો કે માલીવાલ એપોઇન્ટમેન્ટ લીધા વિના મુખ્યમંત્રીના સત્તાવાર આવાસ પર પહોંચી ગયા હતા.