હવાઈ મુસાફરી થશે સસ્તી! બજેટ પહેલા ઓઈલ કંપનીઓએ વિમાનના ઈંધણના ભાવ ઘટાડ્યા
એરલાઇન્સ કંપનીના ઓપરેશનલ ખર્ચમાં ઓછામાં ઓછા 50 ટકા ATFનો હિસ્સો છે
Image: Pixabay |
ATF Price Reduced : સરકારી ઓઈલ કંપનીઓએ એરલાઈન્સ કંપનીઓને મોટી રાહત આપતા ટર્બાઈન ઈંધણ (ATF)ની કિંમત ઘટાડવાનો નિર્ણય લીધો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને આ જાણકારી આપી હતી. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સતત ચોથી વખત જેટ ઈંધણના ભાવમાં ઘટાડો કર્યો છે. ATFની કિંમતમાં 1,221 રૂપિયા પ્રતિ કિલોલિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા દરો આજથી અમલમાં આવ્યા છે.
ઓઈલ કંપનીઓએ ડોમેસ્ટિક એરલાઇન્સ માટે ATFની કિંમતમાં કર્યો ઘટાડો
ઓઈલ કંપનીઓએ ડોમેસ્ટિક એરલાઇન્સ માટે 1,221 રૂપિયા પ્રતિ કિલોલિટરનો ઘટાડો કર્યો છે. આ પછી દિલ્હીમાં ATFની કિંમત ઘટીને 1,00,772.17 રૂપિયા પ્રતિ કિલોલિટર થઇ ગઈ છે. આજના ઘટાડા બાદ મુંબઈમાં ATFની કિંમત 94,246.00 રૂપિયા પ્રતિ કિલોલિટર થઇ ગઈ છે. કોલકાતામાં જેટ ઇંધણની કિંમત 1,09,797.33 અને ચેન્નઈમાં 1,04,840.19 રૂપિયા પ્રતિ કિલોલિટર થઇ ગઈ છે.
ગ્રાહકો માટે સસ્તી થશે હવાઈ મુસાફરી?
ઓઇલ કંપનીઓ દ્વારા આ સતત ચોથી વખત છે જ્યારે એવિએશન ટર્બાઇન ઇંધણમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને કિંમત ઘટીને 1,221 રૂપિયાની આસપાસ આવી છે. આ ઘટાડા બાદ એરલાઈન્સ કંપનીઓને મોટો ફાયદો થવાની આશા છે. આવી સ્થિતિમાં તેની અસર હવાઈ ભાડા પર પણ જોવા મળી શકે છે, જો કે કંપનીઓ ગ્રાહકોને કેટલો ફાયદો આપશે તે હજુ સ્પષ્ટ નથી.એરલાઇન્સ કંપનીના ઓપરેશનલ ખર્ચમાં ઓછામાં ઓછા 50 ટકા ATFનો હિસ્સો છે, આવી સ્થિતિમાં ATFમાં ઘટાડો એરલાઇન્સને મોટી રાહત આપી શકે છે.