રોજ 7 રૂપિયા જમા કરો, સરકાર મહિને રૂ.5000 પેન્શન આપશે, જાણો APY યોજના
આ યોજના ખાસ ગરીબ અથવા તો ઓછી આવક ધરાવતા લોકો માટે શરુ કરવામાં આવી છે
જેનો લાભ 6 કરોડથી વધુ લોકો દ્વારા લેવામાં આવ્યો છે
Atal Pension Yojana: દરેક વર્ગ માટે કેન્દ્ર સરકાર અલગ અલગ યોજનાઓ લાવતી હોય છે. સરકારે વર્ષ 2015માં આર્થિક રીતે નબળા લોકોને સામાજિક સુરક્ષા આપવા માટે અટલ પેન્શન યોજના (Atal Pension Scheme) શરુ કરી છે. આ યોજનામાં રોકાણ કરીને ન માત્ર ગેરેન્ટેડ પેન્શન પરંતુ 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ બચત અને આવકવેરાની કલમ 80C હેઠળ ટેક્સ બેનીફીટ પણ મળે છે. જેનો 6 કરોડ લોકોએ અત્યાર સુધીમાં લાભ લીધો છે. તો જાણીએ આ યોજનાનો લાભ કઈ રીતે મેળવી શકાય છે.
અટલ પેન્શન યોજના શું છે?
દેશના દરેક વર્ગના લોકો માટે વૃદ્ધાવસ્થામાં સામાજિક સુરક્ષા તરીકે પેન્શનનો લાભ મળી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 9 મે 2015માં અટલ પેન્શન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ગરીબ કે ઓછી આવક ધરાવતા 18 થી 40 વર્ષના લોકો કે જે કરદાતા નથી, તેમના માટે આ યોજનામાં રોકાણ કરવાથી યોજના હેઠળ રૂ. 1000 થી લઈને રૂ. 5000 સુધીનું પેન્શન મળી શકે છે. પેન્શન રોકાણ કરેલી કિંમતના આધારે મળે છે. આ યોજનામાં રોકાણ કરવા માટેની વય મર્યાદા 18 થી 40 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે.
રૂ. 5000 પેન્શન કઈ રીતે મળશે?
જો તમે 60 વર્ષની ઉંમરે રૂ. 5000નું પેન્શન મેળવવા ઈચ્છતા હોય તો તમારે 18 વર્ષની ઉંમરમાં જ રૂ. 210નું રોકાણ દર મહિને કરવાનું રહેશે. જો 40 વર્ષની ઉંમરે તમે પેન્શન માટે રોકાણ કરવાનું શરુ કરો છો તો તમારે રૂ. 1454 દર મહિને કરવાનું રહેશે. જેના લીધી તમે 60 વર્ષની ઉંમરે રૂ. 5000નું પેન્શન મેળવી શકો છો. ઓકટોબર 2022માં યોજનાના નિયમોમાં ફેરફાર કરીને સરકારે આવકવેરો ભરતા લોકોને APYનો લાભ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ યોજનાની ખાસ વાત એ છે કે પતિ અને પત્ની બંને તેનો લાભ લઈ શકે છે. જો પતિનું મૃત્યુ થાય તો પત્નીને પેન્શનનો લાભ મળશે.
આ યોજનામાં કઈ રીતે રોકાણ કરી શકાય?
યોજનાનો લાભ લેવા માટે સૌથી પહેલા તો સેવિંગ બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. આ યોજના માટે પોસ્ટઓફીસ કે બેંકમાંથી જ અરજી કરી શકાય છે. જે ફોર્મમાં તમારે નામ, આધાર, મોબાઈલ નંબર, બેંક ખાતાની વિગતો વગેરે જેવા તમામ દસ્તાવેજો ભરીના રહેશે. આ પછી બેંકમાં ફોર્મ સબમિટ કરો. KYC વિગતો આપ્યા પછી, તમારુ અટલ પેન્શન ખાતુ ખુલી જશે.
જો લાભાર્થી 60 વર્ષ પહેલા મૃત્ય પામે તો?
જો 60 વર્ષ પહેલા જ લાભાર્થીનું મૃત્યુ થાય છે તો, તેમના જીવનસાથીને આ યોજના હેઠળ પેન્શનનો લાભ મળશે. જો લાભાર્થીના જીવનસાથીનું પણ મૃત્યુ થાય છે તો આવા કિસ્સામાં તેના નોમીનીને રકમનો એકસાથે લાભ મળી જશે.