અટલ પેન્શન યોજના ‘કાગળ પરનો વાઘ’ કે ‘રિટર્નની ગેરેન્ટી’?, કોંગ્રેસે આંગળી ચીંધતા સીતારમણે આપ્યો જવાબ
જયરામ રમેશે એક તૃતીયાંશ સબસ્ક્રાઈબરની મંજૂરી વગર યોજનામાં નામ જોડ્યા હોવાનો આક્ષેપ કર્યો
નિર્મલા સીતારમણે કહ્યું- યોજનાને ગરીબો અને લોઅર મિડલ ક્લાસને ધ્યાને રાખીને તૈયાર કરાઈ છે
Atal Pension Yojana : લોકસભા ચૂંટણી ટાણે કોંગ્રેસ અને BJP વચ્ચે અટલ પેન્શન યોજના મુદ્દે ભારે શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે મોદી સરકારની યોજનાને ‘કાગળ પરનો વાઘ’ કહેતા બંને પક્ષો વચ્ચે સોશિયલ મીડિયા પર ઉગ્ર નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. આ મામલે નાણામંત્રી નિર્મલા સીતારમણ વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો છે. એકતરફ કોંગ્રેસ યોજનાની ખામીઓ ગણાવી રહી છે, તો બીજીતરફ નાણામંત્રી યોજનામાં રિટર્નથી લઈને ફાયદા ગણાવી રહ્યા છે.
જયરામ રમેશે યોજના પર ઉઠાવ્યા સવાલ
અટલ પેન્શન યોજના સામે આંગળી ચીંધવાની શરૂઆત કોંગ્રેસ (Congress) તરફથી થઈ છે. જયરામ રમેશે (Jairam Ramesh) યોજના પર સવાલ ઉઠાવી કહ્યું કે, ‘લગભગ એક તૃતિયાંશ સબસ્ક્રાઈબર, જેઓ યોજનામાં જોડાયા છે, પરંતુ તેમની મંજૂરી જ લેવામાં આવી નથી. અધિકારીઓએ પોતાનો ટાર્ગેટ પુરો કરવા માટે મંજૂરી લીધા વગર નામ જોડી દીધા છે. યોજનાના 83 ટકા સબસ્ક્રાઈબર 1000 રૂપિયાના પેન્શનના નાના સ્લેબમાં છે, તેથી આ લોકો ફિક્સ્ડ પેન્શનના કારણે મોંઘવારી સામે લડી શકતા નથી. આ યોજનાનું રિટર્ન પણ આકર્ષક નથી. આ યોજનાને યોગ્ય રીતે ડિઝાઈન કરાઈ નથી. આ યોજના ‘કાગળ પરનો વાઘ’ જેવી છે.’
નિર્મલા સીતારમણે કોંગ્રેસ આપ્યો જવાબ
કોંગ્રેસ નેતાના આક્ષેપોનો જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) યોજનાના ફાયદા (Atal Pension Yojana Benefit) અંગે કહ્યું કે, ‘અટલ પેન્શન યોજનાને ગરીબો અને લોઅર મિડલ ક્લાસને ધ્યાને રાખીને તૈયાર કરાઈ છે. આ તે લોકો માટે સબસિડીવાળી યોજના છે. તેને શ્રેષ્ઠ વિચાર સાથે ડિઝાઈન કરવામાં આવી છે. યોજનામાં જોડાવા ઈચ્છુક લોકો પોતાની ઈચ્છા મુજબ પ્રીમિયમની પસંદગી કરી શકે તે રીતે ડિઝાઈન કરાઈ છે. તેઓ ઈચ્છે ત્યારે યોજના બંધ કરવાનો નિર્ણય લઈ શકે છે. યોજનામાં લગભગ ઓછામાં ઓછું 8 ટકા રિટર્ન મળે છે, જે ગેરેન્ટેડ રિટર્ન છે.
અટલ પેન્શન યોજના શું છે?
દેશના દરેક વર્ગના લોકો માટે વૃદ્ધાવસ્થામાં સામાજિક સુરક્ષા તરીકે પેન્શનનો લાભ મળી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 9 મે 2015માં અટલ પેન્શન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ગરીબ કે ઓછી આવક ધરાવતા 18 થી 40 વર્ષના લોકો કે જે કરદાતા નથી, તેમના માટે આ યોજનામાં રોકાણ કરવાથી યોજના હેઠળ રૂ. 1000 થી લઈને રૂ. 5000 સુધીનું પેન્શન મળી શકે છે. પેન્શન રોકાણ કરેલી કિંમતના આધારે મળે છે.
રૂ. 5000 પેન્શન કઈ રીતે મળશે?
જો તમે 60 વર્ષની ઉંમરે રૂ. 5000નું પેન્શન મેળવવા ઈચ્છતા હોય તો તમારે 18 વર્ષની ઉંમરમાં જ રૂ. 210નું રોકાણ દર મહિને કરવાનું રહેશે. જો 40 વર્ષની ઉંમરે તમે પેન્શન માટે રોકાણ કરવાનું શરુ કરો છો તો તમારે રૂ. 1454 દર મહિને કરવાનું રહેશે. જેના લીધી તમે 60 વર્ષની ઉંમરે રૂ. 5000નું પેન્શન મેળવી શકો છો.
આ યોજનાનો લાભ કોણ લઇ શકે?
18 થી 40 વર્ષની ઉંમરના લોકો આ યોજના હેઠળ રોકાણ કરી શકે છે. ઓકટોબર 2022માં યોજનાના નિયમોમાં ફેરફાર કરીને સરકારે આવકવેરો ભરતા લોકોને APYનો લાભ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે પતિ અને પત્ની બંને તેનો લાભ લઈ શકે છે. જો પતિનું મૃત્યુ થાય તો પત્નીને પેન્શનનો લાભ મળશે.
આ યોજનામાં કઈ રીતે રોકાણ કરી શકાય?
યોજનાનો લાભ લેવા માટે સૌથી પહેલા તો સેવિંગ બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. આ યોજના માટે પોસ્ટઓફીસ કે બેંકમાંથી જ અરજી કરી શકાય છે. જે ફોર્મમાં તમારે નામ, આધાર, મોબાઈલ નંબર, બેંક ખાતાની વિગતો વગેરે જેવા તમામ દસ્તાવેજો ભરીના રહેશે. આ પછી બેંકમાં ફોર્મ સબમિટ કરો. KYC વિગતો આપ્યા પછી, તમારુ અટલ પેન્શન ખાતુ ખુલી જશે.
જો લાભાર્થી 60 વર્ષ પહેલા મૃત્ય પામે તો?
જો 60 વર્ષ પહેલા જ લાભાર્થીનું મૃત્યુ થાય છે તો, તેમના જીવનસાથીને આ યોજના હેઠળ પેન્શનનો લાભ મળશે. જો લાભાર્થીના જીવનસાથીનું પણ મૃત્યુ થાય છે તો આવા કિસ્સામાં તેના નોમિનીને રકમનો એકસાથે લાભ મળી જશે.