હૈદરાબાદઃ મર્સિડીઝ કારમાં સગીરા સાથે ગેંગરેપ, MLAના દીકરાનું નામ પણ સામેલ
- પબ પાર્ટીમાં કથિત આરોપીઓ પણ સામેલ હતા અને બાદમાં સગીરા તેમની કારમાં બેઠી હતી
હૈદરાબાદ, તા. 03 જૂન 2022, શુક્રવાર
હૈદરાબાદ ખાતેથી સગીરા સાથે કથિત ગેંગરેપનો એક કેસ સામે આવ્યો છે જેમાં અનેક હાઈ પ્રોફાઈલ નામ પણ સામેલ છે. જોકે આ મામલે હજુ સુધી કોઈની ધરપકડ નથી થઈ પરંતુ 4 આરોપીઓ પૈકીનો એક ધારાસભ્યનો દીકરો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મની આ ઘટના બની હતી. આરોપીઓમાંથી એક સગીર છે અને પીડિતાના પિતાએ આ મામલે ફરિયાદ દાખલ કરાવી ત્યાર બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. સામૂહિક દુષ્કર્મની આ ઘટના શનિવારના રોજ બની હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સગીરાની ગરદન પર ઈજાના નિશાન જોયા બાદ તેના પરિવારને શંકા જાગી હતી અને ત્યાર બાદ સગીરાએ સમગ્ર બનાવ જણાવી દીધો હતો. સગીરાના કહેવા પ્રમાણે તે પબમાં એક પાર્ટીમાં સામેલ થઈ હતી. પાર્ટીમાંથી નીકળ્યા બાદ તે એક ગાડીમાં બેસી ગઈ હતી જેમાં 3-4 યુવકો સવાર હતા. કાર અંધારામાં એક સૂમસામ જગ્યાએ ઉભી રહી ત્યાર બાદ યુવકોએ વારાફરતી તેના સાથે મારપીટ કરી હતી.
યુવતીના નિવેદનના આધાર પર પોલીસે કાયદાકીય કલમોને બદલીને બળાત્કારની કલમો લગાવી દીધી હતી અને તપાસ શરૂ કરી હતી.
પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે પાર્ટીમાં એક ધારાસભ્યનો દીકરો અને અલ્પસંખ્યક બોર્ડના અધ્યક્ષ પણ ઉપસ્થિત હતા અને છોકરીની સાથે હતા. જોકે પીડિતા માત્ર એક આરોપીની ઓળખ કરવામાં અને તેનું નામ લેવા માટે સક્ષમ જણાઈ રહી હતી. પોલીસે શરૂઆતમાં IPCની કલમ 354 અને પોક્સો અધિનિયમ અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. બાદમાં 17 વર્ષીય પીડિતાને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી હતી અને પોલીસે આ કેસમાં કલમ 376 પણ ઉમેરી દીધી છે.