કોવિશીલ્ડ વેક્સિનની આડઅસર મુદ્દે એસ્ટ્રાઝેનેકાનું નિવેદન, કહ્યું- અમારી સહાનુભૂતિ છે...
Image: Freepik
Covishield Vaccine: કોવિશીલ્ડ વેક્સિનની આડઅસરને મુદ્દે એસ્ટ્રાઝેનેકા-ઓક્સફર્ડનું નિવેદન સામે આવ્યાં બાદ હોબાળો મચી ગયો છે. દરમિયાન કંપનીએ દર્દીઓની સુરક્ષા પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી છે. સાથે જ કહ્યું કે અમુક જ કિસ્સામાં લોહીની ગાંઠ બનવી અને પ્લેટલેટ ઘટવાની શક્યતા છે. ભારતમાં કોવિશીલ્ડના નામથી આ વેક્સિન આપવામાં આવે છે. તેને પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવે છે.
આ પહેલી વખત નથી જ્યારે એસ્ટ્રાઝેનેકાએ કોવિડ વેક્સિન સંબંધિત આડઅસરની વાત સ્વીકારી છે. બ્રિટનની એક કોર્ટમાં કંપની સામે 100 મિલિયન પાઉન્ડનો કેસ ચાલી રહ્યો છે. કંપનીએ એ સ્વીકાર કર્યું છે કે અત્યંત દુર્લભ કેસમાં વેક્સિન થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાઈટોપેનિયા સિન્ડ્રોમનું કારણ બની શકે છે.
એસ્ટ્રાઝેનેકાએ એક નિવેદનમાં કહ્યું, 'તે લોકો પ્રત્યે અમારી સહાનુભૂતિ છે જેમણે વેક્સિનની આડઅસરના કારણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે કે પછી તેમને કોઈ ગંભીર સમસ્યા થઈ છે. દર્દીઓની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વેક્સિન સહિત તમામ દવાઓના સુરક્ષિત ઉપયોગને નક્કી કરવા માટે અમારી પાસે સ્પષ્ટ અને આકરા ધોરણ છે'. WHOએ વેક્સિનને 18 વર્ષ અને તેનાથી વધુ ઉંમર ધરાવતા તમામ વ્યક્તિઓ માટે સુરક્ષિત અને અસરકારક ગણાવી છે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ mRNA ટેકનિકના બદલે વાયરલ વેક્ટર પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કોવિશીલ્ડ COVID-19 વેક્સિન વિકસિત કરી છે. આ વેક્સિન માનવ કોશિકાઓમાં COVID-19 સ્પાઈક પ્રોટીનને લઈ જવા માટે એક સંશોધિત ચિમ્પાન્ઝી એડેનોવાયરસ ChAdOx1 નો ઉપયોગ કરે છે.