'માની લો કે હું અનુભવી ચોર છું પણ પુરાવા ક્યાં છે..', કેજરીવાલેે મોદી સરકારને તાનાશાહીનો ટોણો માર્યો

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
'માની લો કે હું અનુભવી ચોર છું પણ પુરાવા ક્યાં છે..', કેજરીવાલેે મોદી સરકારને તાનાશાહીનો ટોણો માર્યો 1 - image


- એક્સાઇઝ નીતિ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી જામીન પૂર્ણ થતા ફરી જેલ ભેગા

- ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવી, હનુમાનજીની પૂજા કરી કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હું ભગતસિંહનો ચેલો, ફાંસીએ લટકવા તૈયાર 

- કેજરીવાલે માતા-પિતાના આશીર્વાદ લીધા બાદ તિહાર જેલમાં સરેન્ડર કર્યું

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે દિલ્હી સ્થિત તિહાર જેલમાં સરેન્ડર કર્યું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા કેજરીવાલને આપવામાં આવેલા વચગાળાના જામીનનો સમય ૧ જૂને પૂર્ણ થતા તેઓ ફરી પાછા જેલ જતા રહ્યા છે. જેલ જતા પહેલા કેજરીવાલે દિલ્હી સ્થિત રાજઘાટ પર જઇને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. બાદમાં હનુમાનજીના મંદિરે પ્રાર્થના કરી હતી. કેજરીવાલ જેલમાં ગયા તે પહેલા માતા પિતાના આશિર્વાદ લીધા હતા અને આપના નેતાઓને મળ્યા હતા. બાદમાં કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું.  

કાર્યકર્તાઓને આપેલા સંબોધનમાં કેજરીવાલે કહ્યું હતું કે હું ભ્રષ્ટાચારમાં સામેલ હોવાને કારણે નહીં પણ તાનાશાહી સામે અવાજ ઉઠાવવા બદલ પરત જેલ જઇ રહ્યો છું. મને સુપ્રીમ કોર્ટે ૨૧ દિવસની રાહત આપી હતી જે સમયગાળો મારા માટે યાદગાર બની રહ્યો. મે એક પણ મિનિટ બરબાદ નથી કરી, દેશ બચાવવા માટે મે ચૂંટણી પ્રચાર કર્યો. આમ આદમી પાર્ટી બાદમાં પહેલા દેશ મહત્વનો છે. સાથે કેજરીવાલે દાવો કર્યો હતો કે કેન્દ્રમાં ભાજપની આગેવાનીમાં એનડીએની સરકાર બનવા જઇ રહી હોવાનો દાવો કરતા તમામ એક્ઝિટ પોલ ફેક છે. આ એક્ઝિપોલ લોકોને હતાશામાં ધકેલવા માટેના છે. 

કેજરીવાલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનુભવી ચોર કહ્યા હતા, જેનો જવાબ આપતા કેજરીવાલે કહ્યું હતું કે ચાલો માની લઇએ કે હું અનુભવી ચોર છું, પણ તમારી પાસે મારી વિરુદ્ધમાં કોઇ પુરાવા તો છે નહીં, એક પણ રૂપિયો નથી મળ્યો, છતા મને જેલમાં ધકેલી દેવામાં આવ્યો, આ જ તો તાનાશાહી છે.  અમે ભગતસિંહના ચેલા છીએ, દેશ બચાવવા માટે જેલ જઇ રહ્યા છીએ. ભગતસિંહની જેમ ફાંસીએ લટકવા માટે પણ તૈયાર છું. કાર્યકર્તાઓને સંબોધ્યા બાદમાં કેજરીવાલ તિહાર જેલ પહોંચ્યા હતા, જેલની આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. 

દરમિયાન કેજરીવાલ રાજઘાટ સ્થિત ગાંધીજીના સ્મારક પર પહોંચ્યા તેનો ભાજપ દ્વારા વિરોધ કરાયો હતો, વિરોધ પ્રદર્શન કરી રહેલા દિલ્હી ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવ સહિત કેટલાકની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. દિલ્હીના એક્સાઇઝ નીતિ કૌભાંડ કેસમાં કેજરીવાલની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેઓને લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે સુપ્રીમ કોર્ટે ૨૧ દિવસ માટે વચગાળાના જામીન આપ્યા હતા. કેજરીવાલે સરેન્ડર કર્યું તે પહેલા માતા પિતાને મળ્યા હતા અને તેમના આશિર્વાદ લીધા હતા. જે બાદ કનોટ પ્લેસ સ્થિત હનુમાનજીના મંદિરે પૂજા કરી હતી. બાદમાં તેઓ જેલ જવા માટે રવાના થઇ ગયા હતા. 

અરવિંદજી ટૂથબ્રશ લઇ જવાનું ના ભુલતા ઃ પરેશ રાવલ

 કેજરીવાલે તિહાર જેલમાં સરેન્ડર કર્યું તે પહેલા બોલિવૂડ અભિનેતા અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલે ટોણો માર્યો હતો. તેમણે ટ્વીટ કરીને કેજરીવાલને સલાહ આપી હતી કે બ્રેશ લેવાનું ના ભુલતા. પરેશ રાવલે ટ્વીટમાં લખ્યું હતું કે અરવિંદ જી, આશા છે કે તમે તમારી બેગ પેક કરી લીધી હશે? ટૂથબ્રશ લઇ જવાનું ના ભુલતા, કેમ કે તે બહુ જ જરૂરી છે. તમારુ મોઢુ સાફ રાખશે.  


Google NewsGoogle News