PMLA હેઠળ 19 વર્ષોમાં ભ્રષ્ટાચારીઓની કેટલી રોકડ-સંપત્તિ જપ્ત કરાઈ? EDએ આપ્યો હિસાબ
ED Seized Property Under PMLA: દેશમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ EDએ છેલ્લા 19 વર્ષમાં રૂ. 1.45 લાખ કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ માસમાં રૂ. 21370 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. PMLA 1 જુલાઈ 2005થી લાગુ કરવામાં આવ્યો હતો.
મની લોન્ડરિંગ અને તે સંબંધિત બાબતો પર નજર રાખતી એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તાજેતરમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) સંબંધિત કેટલાક ડેટા રજૂ કર્યા હતાં. જે અનુસાર, નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ નવ મહિનામાં 21,370 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ એક્ટનો ઉદ્દેશ કરચોરી, કાળા નાણાંનો સંગ્રહ અને મની લોન્ડરિંગ જેવા ગંભીર ગુનાઓ પર કાબૂ મેળવવાનો છે.
911 લોકોની ધરપકડ
આ કાયદો લાગુ થયા બાદ એજન્સીએ અત્યાર સુધીમાં 911 લોકોની ધરપકડ કરી છે. PMLA હેઠળ અત્યાર સુધીમાં નોંધાયેલા 44 કેસમાં 100 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે, જેમાંથી ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ માસમાં 36 લોકોને દોષિત ઠેરવ્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "છેલ્લા પાંચ-છ વર્ષોમાં, ED આક્રમક રૂપે મની લોન્ડરિંગ સામે કાર્યવાહી કરી રહ્યું છે. અને તેણે ઘણા ટોચના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, હવાલા વેપારીઓ, સાયબર ગુનેગારો અને દાણચોરોની ધરપકડ કરી છે."
આ પણ વાંચોઃ એકનાથ શિંદેને ગઢમાં ઝટકો આપવા ભાજપ તૈયાર, મંત્રી જનતા દરબાર યોજશે, તિરાડ વધી
મોદી સરકાર આવ્યા બાદ જપ્તી વધી
EDના ડેટા અનુસાર, 2024 પહેલાં EDએ કુલ 1.24 લાખ કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. આમાંથી મોટાભાગની સંપત્તિ એટલે કે અંદાજે રૂ. 1.19 લાખ કરોડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તામાં આવ્યા બાદ જપ્ત કરવામાં આવી છે. જો કે કોંગ્રેસ સહિત વિપક્ષોએ આરોપ મૂક્યો હતો કે 'છેલ્લા કેટલાક વર્ષોમાં EDએ આ કાયદાનો દુરુપયોગ કર્યો છે અને વિરોધ પક્ષોને નિશાન બનાવવામાં આવ્યા છે.' કેન્દ્ર સરકારે આ આરોપ પર એજન્સીની કાર્યવાહીનો બચાવ કર્યો હતો કે, 'તે એક સ્વતંત્ર એજન્સી છે અને તેની તપાસ સંપૂર્ણપણે નિષ્પક્ષ છે.'
22000 કરોડ સંપત્તિ દાવેદારોને સોંપી
EDએ 2024માં ભ્રષ્ટાચારનો ભોગ બનેલા પીડિતો અને બેન્કો જેવા કાયદેસરના દાવેદારોને જપ્ત કરેલી મિલકતો સોંપવામાં સફળતા હાંસલ કરી છે. તેણે મની લોન્ડરિંગ કેસમાં દોષિત વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી, રોઝ વેલી ચિટફંડ કૌભાંડ, નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (NSEL) જેવા કૌંભાંડીઓ પાસેથી જપ્ત કરેલી સંપત્તિમાંથી રૂ. 22737 કરોડ પીડિતો અને પીડિત બેન્કો સુધી પહોંચાડ્યા છે. જેમાં ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી અત્યારસુધીમાં કુલ રૂ. 7404 કરોડ દાવેદારોને સોંપ્યા છે.