બિહારમાં પેપર લીક અટકાવવા માટે વિધાનસભામાં બિલ પસાર
- વિપક્ષના વોકઆઉટ વચ્ચે ધ્વનિ મતથી બિલ પસાર
- પરીક્ષામાં અનિયમિતતામાં સામેલ લોકો માટે ત્રણથી પાંચ વર્ષની જેલની સજા અને રૂ. 10 લાખનો દંડ
પટણા : બિહાર વિધાનસભાએ રાજ્યમાં લેવાનારી ભરતી પરીક્ષાઓમાં પ્રશ્રપત્ર લીક અને અન્ય અનિયમિતતાઓ પર અંકુશ મેળવવાના ઉદ્દેશથી એક બિલ પસાર કર્યુ છે.
બિહારના વિધાનસભા કાર્ય મંત્રી વિજય કુમાર ચૌધરી દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવેલ બિહાર લોક પરીક્ષા (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ, ૨૦૨૪ વિપક્ષના વોકઆઉટ વચ્ચે ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યું છે.
નવા કાયદાનો ઉદ્દેશ બિહારમાં પ્રશ્રપત્ર લીક સહિત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનિયમિતતા પર અંકુશ મુકવાનો છે. બિહાર તાજેતરમાં નીટ-યુજી, ૨૦૨૪ પ્રશ્રપત્ર લીક કેસ અંગે સમાચારમાં રહ્યું હતું.
બિલમાં આવી અનિયમિતતામાં સામેલ લોકો માટે કડક સજાની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં ત્રણથી પાંચ વર્ષની જેલની સજા અને ૧૦ લાખ રૂપિયાનો દંડ પણ સામેલ છે.
ચૌધરીએ જણાવ્યું હતું કે આવી પરીક્ષાઓ લેવા માટે જે એજન્સીઓને કામ સોંપવામાં આવે છે તે સર્વિસ પ્રોવાઇડર્સને એક કરોડ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે.
આ ઉપરાંત ચાર વર્ષ સુધી પરીક્ષાની કામગીરીથી દૂર રાખવામાં આવશે અને તેની મિલકતો પણ ટાંચમાં લેવામાં આવશે.