જમ્મુ કાશ્મીરમાં લોકસભાના તુરંત બાદ વિધાનસભાની ચૂંટણી યોજાશે
- સુરક્ષાના કારણોસર સાથે ચૂંટણી યોજવી શક્ય નથી : ચૂંટણી પંચ
- ગૃહ મંત્રાલયે યાસીન મલિકના પક્ષ પરનો પ્રતિબંધ પાંચ વર્ષ લંબાવ્યો, અન્ય ચાર સંગઠનો પર પણ બેન
નવી દિલ્હી : ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી છે સાથે જ જણાવ્યું છે કે આ ચૂંટણી બાદ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને જમ્મુ કાશ્મીરમાં લોકસભા અને વિધાનસભા બન્નેની ચૂંટણી એક સાથે યોજવી શક્ય નથી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બન્ને ચૂંટણી એક સાથે યોજવી શક્ય ના હોવાથી અલગ અલગ યોજવામાં આવશે. પહેલા લોકસભાની ચૂંટણી યોજાઇ જાય પછી વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં હાલમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. છેલ્લા છ વર્ષથી વિધાનસભાની ચૂંટણી નથી યોજવામાં આવી. જોકે સુપ્રીમ કોર્ટે વહેલા ચૂંટણી યોજવા તેમજ સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા કહ્યું હતું. જેને પગલે ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી શકે છે.
બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (મોહમ્મદ યાસિન મલિક જુથ) પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લંબાવી દીધો છે.
ગૃહ મંત્રાલયે કહ્યું છે કે અમને જેકેએલએફ વાઇ સામે પુરતા પુરાવા મળ્યા છે જે બાદ આ પ્રતિબંધ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જુથ દેશની સુરક્ષા માટે ખતરા સમાન છે. આ પહેલા વર્ષ ૨૦૧૯માં આ પક્ષને ગેરકાયદે જાહેર કરવામાં આવ્યો હતો. એવા અહેવાલો મળ્યા છે કે આ પ્રતિબંધિત પક્ષ હજુ પણ આતંકવાદી સંગઠનોના સંપર્કમાં છે. સાથે જ અન્ય વિસ્તારોમાં આતંકવાદનું સમર્થન પણ કરી રહ્યો છે.
આ ઉપરાંત જમ્મુ કાશ્મીર પીપલ્સ લીગના ચાર સંગઠનો જેકેપીએલ (મુખ્તાર અહમદ વાજા), જેકેપીએલ (બશીર અહમત તોતા), જેકેપીએલ (ગુલામ મોહમ્મદ ખાન) અને જેકેપીએલ (અજીજ શેખ) પર પ્રતિબંધ મુકી દીધો છે. આ સંગઠનો આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા હતા.