2 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી : મધ્યપ્રદેશની 230 બેઠકો પર 70 ટકા અને છત્તીસગઢમાં બીજા તબક્કામાં 68 ટકા થયું મતદાન

મતદાન દરમિયાન કેટલીક જગ્યા પર હિંસાના બનાવો જોવા મળ્યા

Updated: Nov 17th, 2023


Google NewsGoogle News
2 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી : મધ્યપ્રદેશની 230 બેઠકો પર 70 ટકા અને છત્તીસગઢમાં બીજા તબક્કામાં 68 ટકા થયું મતદાન 1 - image


Madhya Pradesh-Chhattisgarh Assembly Election 2023 : મધ્યપ્રદેશની 230 બેઠકો અને છત્તીસગઢની 70 બેઠકો માટે આજે મતદાન પૂર્ણ થઇ ગયું છે. મતદાન દરમિયાન કેટલીક જગ્યા પર હિંસાના બનાવો જોવા મળ્યા હતા. મધ્યપ્રદેશના ઈન્દોર, દિમની, ઝાબુઆ અને ભિંડ, જ્યારે છત્તીસગઢના રાયપુરમાં કેટલીક અનિચ્છનીય ઘટનાઓ બની હતી. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કુલ મતદાન 71.11 ટકા થયું છે. જ્યારે છત્તીસગઢમાં બીજા તબક્કા માટે 67.34 ટકા મતદાન થયું છે.

દિમનીમાં ફાયરિંગ

મધ્યપ્રદેશના દિમની બેઠક પર ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે. મુરૈનાની દિમની બેઠક પર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર મેદાનમાં છે. અહીં મીરઘાન ગામમાં ફાયરિંગ કરાયા બાદ ભારે અફરાતફરી સર્જાઈ છે. ઘટનામાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જોકે બુથ પર મતદાન ચાલી રહ્યું છે.

ઝાબુઆમાં બબાલ

મધ્યપ્રદેશના ઝાબુઆમાં ગઈકાલે રાત્રે જોરદાર હંગામો થયો. આ દરમિયાન કોંગ્રેસ ઉમેદવાર વિક્રાંત ભૂરિયાના વાહન પર પથ્થરમારો કરાયો હતો.

નર્મદાપુરમમાં ભાજપના કાર્યાલયમાં તોડફોડ

નર્મદાપુરમના માખનનગરમાં BJP કાર્યાલયમાં તોડફોડ થઈ હોવાની ઘટના સામે આવી છે. ભાજપે કોંગ્રેસ (Congress)ના કાર્યકર્તાઓએ તોડફોડ કરી હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આ મામલે કેટલાક અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધી છે. તોડફોડનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કોંગ્રેસ ઉમેદવાર પુષ્પરાજ સિંહ પટેલ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ તોડફોડ કરતા જોવા મળી રહ્યા છે.

છત્તીસગઢમાં 22 જિલ્લાની 70 બેઠકો પર મતદાન

છત્તીસગઢમાં બીજા તબક્કામાં 22 જિલ્લાની કુલ 70 વિધાનસભા બેઠકો પર મતદાન થયું. આ માટે 958 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં 827 પુરુષ અને 130 મહિલા ઉમેદવારો અને થર્ડ જેન્ડરમાં એક ઉમેદવાર મેદાનમાં હતા. 

મધ્યપ્રદેશની તમામ 230 બેઠકો પર મતદાન થયું

મધ્યપ્રદેશમાં કુલ મતદાન મથકોની સંખ્યા 64,626 હતી, તેમાંથી 17032 ક્રિટિકલ મતદાન કેન્દ્રો હતા. સંવેદનશીલ મતદાન મથકો 1316 હતા. 5160 કેન્દ્રો પર મહિલા સ્ટાફને તૈનાત કરવામાં આવ્યો હતો. કેન્દ્રોમાં 183 વિકલાંગ કર્મચારીઓ પણ ફરજ બજાવી રહ્યા હતા. 


Google NewsGoogle News