3 રાજ્યોમાં ભાજપની બમ્પર જીત નક્કી, આજે સાંજે BJP હેડક્વાર્ટરથી વડાપ્રધાન મોદી કાર્યકર્તાઓને સંબોધશે
- પાર્ટીની સફળતા પર દિલ્હી સ્થિત બીજેપીના રાષ્ટ્રીય કાર્યાલયમાં જશ્નની તૈયારીઓ શરૂ
નવી દિલ્હી, તા. 03 ડિસેમ્બર 2023, રવિવાર
આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. શરૂઆતના વલણોમાં ભારતીય જનતા પાર્ટીએ આ ત્રણ રાજ્યોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પાર્ટીએ કોંગ્રેસને પાછળ છોડીને વલણોમાં બહુમતીના આંકડો સ્પર્શી લીધો છે. છત્તીસગઢમાં પણ કોંગ્રેસને ટક્કર મળી રહી છે. તેલંગાણામાં જ્યાં પાર્ટીએ 2018ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર એક બેઠક પર જીતી મેળવી હતી ત્યારે આ વર્ષે સવારે 10:00 વાગ્યા સુધીના વલણો પ્રમાણે તે બે બેઠકો પર આગળ છે. ત્યારે 3 રાજ્યોમાં ભાજપની બમ્પર જીત નક્કી જણાતા આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી BJP હેડક્વાર્ટરથી કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6:00 વાગ્યે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર પહોંચશે અને કાર્યકર્તાઓને સંબોધિત કરશે. મધ્યપ્રદેશની 230, તેલંગાણાની 119, રાજસ્થાનની 199 અને છત્તીસગઢની 90 બેઠકો માટે આજે પરિણામ જાહેર થવા જઈ રહ્યા છે.
મત ગણતરીના ટ્રેન્ડમાં ભાજપ ત્રણ રાજ્યોમાં આગળ છે. આવી સ્થિતિમાં પાર્ટીની સફળતા પર દિલ્હી સ્થિત બીજેપીના રાષ્ટ્રીય કાર્યાલયમાં જશ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે કાર્યાલય પહોંચશે અને કાર્યકર્તાઓને સંબોધિત કરશે. પીએમ મોદી દરેક વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ પાર્ટી કાર્યાલયમાં જરૂર જાય છે.